Western Times News

Gujarati News

૨૨૫ બેડની અદ્યતન સુવિધાયુક્ત કોઠીયા મલ્ટી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ

અમદાવાદ પૂર્વમાં દાનની સરવાણીથી કાર્યાન્વિત બન્યુ આરોગ્યનું મંદિર : કોઠિયા હોસ્પિટલ

કોવીડની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા સમગ્ર રાજ્યમાં ૩જી જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ ની વયના બાળકોના રસીકરણ માટે ખાસ મેગા ડ્રાઈવનું આયોજન – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

કોરોના સામે રક્ષણ મેળવવા કોરોના એપ્રોપ્રિએટ વ્યવહારનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના નિકોલ ખાતે કોઠીયા મલ્ટી  સ્પેશિયાલીટી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે જનસમૂહને સંબોધતા કહ્યું કે, કોવીડની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે ૩જી જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ની વયના બાળકોના રસીકરણ માટે ખાસ મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છે.

તેમણે ગુજરાતમાં રસીકરણ માટે રાજ્ય સરકારની પૂર્વતૈયારીઓ અંગે વાત કરતાં જણાવ્યું કે, આગામી ૧૦ જાન્યુઆરીથી રાજ્યમાં આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સને સુરક્ષા-કવચ પુરુ પાડવા રસીકરણ હાથ ધરાશે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ૧૫ થી ૧૮ની વયના રાજ્યના  ૩૫ લાખથી વધુ બાળકોને રસી આપવા માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન હાથ ધર્યું છે, જે માટે અલાયદા સેશન પણ યોજવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, વર્તમાન સ્થિતિને પહોંચી વળવા માટે  કોવીડ સંબંધિત માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જેમાં કોવીડના દર્દી માટે જરૂરી માહિતી ઉપ્લબ્ધ બનાવવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આપણે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કોરોનાનો મક્કમતાથી મુકાબલો કર્યો અને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન સફળતાપૂર્વક હાથ ધર્યું.વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રને અગ્રિમતા આપવામાં આવી રહી છે, તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ.

મુખ્યમંત્રીશ્રીએ ૨૨૫ બેડની કોઠીયા હોસ્પિટલનું લોકાર્પણ કરતા કહ્યું  કે, આ હોસ્પિટલના પગલે અમદાવાદ પૂર્વના નાગરિકની આરોગ્ય સુવિધાઓમાં વૃદ્ધિ થશે. તેમણે ઉમેર્યું કે, મા, આયુષ્યમાન સહિતના કાર્ડધારકોને આ હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર મળશે.

તેમણે હોસ્પિટલના હોલિસ્ટિક હેલ્થના એપ્રોચની પ્રસંશા કરતાં કહ્યું કે, કોઠીયા હોસ્પિટલમાં હોમિયોપેથીની પણ સારવાર અન દવા નિશુલ્ક પ્રાપ્ત થાય છે, જે તેના આરોગ્ય પ્રત્યેના સર્વાંગી અભિગમની પ્રતિતી કરાવે છે.

મુખ્યમંત્રીશ્રીએ “સર્વે ભવન્તું સુખીન,સર્વે સન્તુ નિરામય”નું સૂત્ર સાકાર કરવા બદલ કોઠીયા હોસ્પિટલના ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાએ લોકાપર્ણ પ્રસંગના માધ્યમથી દેશની જનતાને કોરોના એપ્રોપ્રિએટ વ્યવહારનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ કોરોના સંલગ્ન સરકારી તમામ દિશાનિર્દેશોને અનુસરવાની પણ સલાહ આપી હતી.

કોરોના રસીકરણ ક્ષેત્રે દેશના 93 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 63 ટકા લોકોને રસીનો બીજો ડોઝ સફળાતાપૂર્વક આપવામાં આવ્યો હોવાનું પણ મંત્રી શ્રી એ કહ્યું હતુ. સાથો સાથો કોરોનાકાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી કોરોના મહામારી સામેની લડતમાં કરવામાં આવેલી કામગીરીનું ચિત્ર લોકોસમક્ષ રજૂ કર્યુ હતુ.

કોઠિયા હોસ્પિટલના લોકાર્પણની સાથે આજે પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલની પ્રતિમાના અનાવરણની ક્ષણને મંત્રી શ્રીએ ઐતિહાસિક અને અગત્યની ક્ષણ જણાવી હતી. આ સંદર્ભમાં તેઓએ કહ્યું કે, 562 દેશી રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરનારા લોહપુરુષ સરદાર પટેલના વ્યકિત્તવને વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વૈશ્વિક સ્તરે તેમને ખ્યાતિ અપાવી છે. આજે એવા જ એક લોકનેતા કેશુભાઇ પટેલની સિધ્ધી અને તેમની ક્ષમતાનું સન્માન તેમની પ્રતિમાના અનાવારણ દ્વારા કરવામાં આવ્યું છે.

હોસ્પિટલ નિર્માણમાં દાતાઓ દ્વારા આપવામાં આવેલા દાનને પાટીદારોની સેવા, સહયોગ ભાવ પાછળ ભારતીય સંસ્કૃતિના ગુણો જોડાયેલા હોવાનું જણાવી ભારતીય સંસ્કૃતિમાં લાભ સાથે શુભનો મહિમા મંત્રી શ્રી એ સમજાવ્યો હતો.

કોરોનાકાળમાં લોકડાઉનના કપરા સમયગાળા બાદ શ્રમિકોના અન્નપૂર્ણા બનેલી સરકાર, સામાજીક અને સ્વૈચ્છિક સંસ્થાઓની જનકલ્યાણની પ્રવૃતિઓને મંત્રીશ્રીએ આવકારી હતી.

કોરોનાની તમામ વિષમ પરિસ્થિતિઓથી લડવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સુસજ્જ હોવાનું જણાવીને 204 જેટલી કંપનીઓ ટેસ્ટીંગ કીટ નિર્માણ કરી રહી હોવાનું કહ્યું હતુ.દેશમાં 35 કરોડ વેક્સિનના ડોઝનું ઉત્પાદન થઇ રહ્યુ છે જેમાંથી 25 કરોડ જેટલા ડોઝ ભારતીય નાગરિકોને આપીને બાકીને 10 કરોડ ડોઝ વૈશ્વિક માંગ પૂર્ણ કરવામાં આવી રહી હોવાનું મંત્રી શ્રી એ જણાવ્યું હતુ.

કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ લોકાર્પણ પ્રસંગે ભારપૂર્વક કહ્યું કે, અમદાવાદમાં ઉપલબ્ધ આરોગ્યક્ષેત્રની વિવિધ સેવાઓએ શહેરને વૈશ્વિક ફલક પર પ્રસ્થાપિત કરીને નામના અપાવી છે. આજે વિદેશથી પણ દર્દીઓ અમદાવાદ શહેરની હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે.

સરકારના સુદ્રઢ આયોજન અને વ્યવસ્થાપનના કારણે આજે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલે વર્ષો જૂની પોતાની શાખને બદલીને કોર્પોરેટ હોસ્પિટલની સ્પર્ધામાં ઉતરીને શ્રેષ્ઠત્તમ સારવાર ઉપલબ્ધ કરાવી રહી છે જેની ઝાંખી કોરોનાકાળમાં આપણે સૌએ જોઇ છે.

મંત્રી શ્રી વિશ્વના વિકસીત દેશો આજે પણ કોરોનાના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાના રાષ્ટ્રભરમાં સધન કોરોના વેક્સિનેસનના આયોજનના કારણે દેશમાં રસીકરણ ક્ષેત્રમાં બહુમૂલી સફળતા મળી હોવાનું કહ્યું હતુ.

તેઓએ આ પ્રસંગે કોઠિયા હોસ્પિટલના સ્થાપક અને ધારાસભ્ય શ્રી વલ્લભભાઇ કાકડિયાની ઉધોગપતિ થી લઇ રાજકારણી અને સમાજસેવક સુધીની સફરનો ચિતાર પણ લોકસમક્ષ રજૂ કર્યો હતો.

પ્રદેશ પ્રમુખ અને સાસંદ શ્રી સી.આર. પાટીલે આ પ્રસંગે દાનનો મહિમા સમજાવીને રાજ્યમાં દાન અને સેવાકીય પ્રવૃતિઓની પટેલ સમાજે કેડી કંડારી હોવાનું કહીને પટેલ સમાજ દ્વારા શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવી રહેલી સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી.

કોઠિયા હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે પહેલા સારવાર પછી પેમેન્ટના નવતર અભિગમની પણ શ્રી સી.આર.પાટીલે સરાહના કરી હતી. આજે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં કાર્યાન્વિત થયેલી કોઠિયા હોસ્પિટલ સમયની માંગ આધારિત તમામ અત્યાધુનિક સુવિધાઓ અને મશીનરીથી સજ્જ છે જે આવનારા સમયમાં દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનશે.

સરકાર દ્વારા પણ સમયાંતરે સામાજીક સંસ્થાઓને આવી સેવાકીય પ્રવૃતિઓ કરવા માટે પ્રોત્સાહન અને અનુદાન આપવામાં આવીને મદદરૂપ બની રહી છે તેમ તેઓએ ઉમેર્યુ હતુ.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કોરોકાળમાં રાષ્ટ્રમાં એક પણ મૃત્યુ ભૂખમરાના કારણે ન થયેલ હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.

હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે હોસ્પિટલના સ્થાપક અને ધારાસભ્ય શ્રી વલ્લભભાઇ કાકડીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ.

હોસ્પિટલના લોકાર્પણ સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હોસ્પિટલના પ્રાંગણમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતુ.

કોઠિયા હોસ્પિટલ લોકાર્પણ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે મંત્રી સર્વ શ્રી ઋષિકેશભાઇ પટેલ, જીતુભાઇ વાધાણી, પ્રદિપભાઇ પરમાર, જગદિશભાઇ વિશ્વકર્મા, અમદાવાદ શહેર મેયર શ્રી કિરીટભાઇ પરમાર, ધારાસભ્ય સર્વ શ્રી, નીતિનભાઇ પટેલ પ્રદિપસિંહ જાડેજા, સુરેશભાઇ પટેલ, જગદિશભાઇ પટેલ, બાબુભાઇ પટેલ,કર્ણાવતી અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશ બારોટ, હોસ્પિટલના મુખ્ય દાતા શ્રી દિલીપભાઇ કોઠિયા, રવજીભાઇ વસાણી સહિતના તમામ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમિત સિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.