૨૨ ડિસેમ્બર બાદથી હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી

પ્રતિકાત્મક
અમદાવાદ: છેલ્લા કેટલાય દિવસોથી વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વીય દિશા તરફથી પવન ફૂંકાવાની શરૂઆત થતાં ઠંડી ધીમે-ધીમે જમાવટ કરી રહી છે. ત્યારે જ્યોતિષોએ આગાહી કરી છે કે, રાજ્યમાં ૧૫ નવેમ્બર શિયાળાની સત્તાવાર શરૂઆત થશે જ્યારે ૨૨ ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે અને જાન્યુઆરીમાં રેકોર્ડબ્રેક ઠંડી પડવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે.
સીઝનમાં પહેલીવાર અમદાવાદનું તાપમાન ગગડીને ૧૬.૨ ડિગ્રીએ પહોંચતાં વહેલી પરોઢે ઠંડીનો અહેસાસ થયો છે. ઉત્તર ભારતમાં લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે ઠંડી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. જેની આગામી દિવસોમાં ગુજરાત પર પણ અસર જોવા મળશે. ગુજરાતમાં હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે, ૧૮ નવેમ્બર બાદ લધુત્તમ તાપમાન ઘટશે અને ઠંડીમાં વધારો થશે.
ગુજરાતમાં હવામાન નિષ્ણાતની આગાહી મુજબ ૪ ડિસેમ્બરના રોજ તાપમાન ઘટીને ૧૨ ડિગ્રી આસપાસ પહોંચશે જ્યારે ૮ અને ૧૯ ડિસેમ્બરના પણ વધુ ઠંડી અનુભવાશે. આ ઉપરાંત ૨૨ ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડશે તો જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની શક્યતા છે. નલિયા અને બનાસકાંઠાના કેટલાય ભાગોમાં પારો ૫ ડિગ્રી જ્યારે આબુમાં શૂન્ય ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે.