૨૨ દિવસમાં કોરોનાને મ્હાત આપી ખેડુત ઘરે પરત ફર્યો
રાજકોટ: કોરોનાના ગંભીર દર્દીઓની હિંમત અને કોરોના વૉરિયર્સ ડૉક્ટર્સ જ્યારે જોશ સાથે તેમની તમામ શક્તિ કામે લગાડી દે છે ત્યારે કોરોના પણ હાંફી જાય છે. રાજકોટ સિવિલ કોવિડ હૉસ્પિટલમાં ડાયાબિટીસ, બીપી સાથે કોરોના થયેલા અનેક દર્દીઓ સાજા થઈ ઘરે સુખરૂપ પરત ફરે છે.
ત્યારે એક કિસ્સો ખૂબ જ પ્રેરણા પૂરી પાડે છે. ફેંફસા, હાર્ટ અને કિડનીની બીમારીથી પીડાતા હોવા છતાં ૨૨ દિવસની સઘન સારવારથી ઉપલેટાના ભાયાવદરના ૬૮ વર્ષીય ખેડૂત રમેશભાઈ માકડીયાએ કોરોના મુક્ત બની મોતને મ્હાત આપી જિંદગીને ગળે લગાડી છે.
રમેશભાઈની તબિયત ખરાબ થયા બાદ ઉપલેટાના આરોગ્ય કેન્દ્રના અધિકારીએ તેઓને સારવાર માટે રાજકોટ જવાનું કહ્યું હતું. રમેશભાઈ ડાયાબિટીસ, હૃદય અને પ્રોસ્ટેટની તકલીફથી પીડાતા હતા. સાથે જ તેઓનું ઓક્સિજન ફક્ત ૭૦ હતું. જોકે, શારીરિક અને માનસિક રીતે મજબૂત રમેશભાઈ બાઈક લઈને ઘરે ગયા હતા અને પોતાના પરિવારને રાજકોટ જવાની વાત કરી હતી. રાજકોટ સિવિલ ખાતે તેમનો ટેસ્ટ કરાવવામાં આવતા તેઓ પોઝિટિવ આવ્યા હતા.
તુરંત જ તેમને દાખલ કરી આપવામાં આવ્યા હતા. તેઓ કોરોના સંક્રમિત થયા બાદ લગભગ એક સપ્તાહ બાદ સારવાર માટે આવ્યા હતાં. તેઓનું હૃદયનું એક કર્ણ બ્લોક થઈ ગયું હતું. ફેંફસામાં ૯૦% ઇન્ફેક્શન હતું. કિડની પણ કામ કરતી ન્હોતી. રમેશભાઈને રેરેસ્ટ ઓફ ઘી રેર ૬ હાઈરિસ્ક ફેક્ટર કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતાં. સિવિલમાં તજજ્ઞ ડોક્ટર્સ ડૉ. આરતીબેન ત્રિવેદી, ડૉ. રાહુલ ગંભીર, અમદાવાદના તજજ્ઞ ડૉક્ટર્સ સહિત ૬ ડૉક્ટર્સની ટીમ રમેશભાઈની સારવારમાં કોઈ કચાસ ન રહે તેનો ખ્યાલ રાખી કોઈપણ ભોગે દર્દીને સાજા કરવા અગ્રીમ ભૂમિકા ભજવે છે.
સારવાર અંગે વાત કરતા ડૉ. આરતીબેન જણાવે છે કે, રમેશભાઈને ૧૧ દિવસ વેન્ટિલેર અને ૧૧ દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતાં. રેમેડીસિવીર, ટોસિલિઝુમેબ સહિતના ઇન્જેક્શનનો ડોઝ એકથી વધુવાર આપવામાં આવ્યો.