૨૨ માર્ચે ‘જનતા કર્ફ્યૂ’ને કારણે ટ્રેનબંધી: દેશમાં ૩૭૦૦ ટ્રેનનાં પૈડા થંભી જશે
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને ભાવનગર, સુરત અને વડોદરા વિભાગની તમામ ૨૦૦થી પણ વધુ ડેમુ, મેમુ અને પેસેન્જર ટ્રેનોને રદ
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા જનતા કર્ફ્યૂને કારણે દેશમાં આજ શનિવારે મધરાત્રીથી રવિવારે રાતે દસ વાગ્યા સુધી કોઇપણ સ્ટેશનથી કોઇ મુસાફર ટ્રેન સફર શરૂ નહીં કરી શકે. સૂત્રોએ જણાવ્યું કે, મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ રવિવારે સવારથી નહીં ચાલે. તમામ ઉપનગરી સેવાઓ પણ ઓછી કરી દેવામાં આવશે. ભારતીય રેલવે કોરોનાના ખતરાને ટાળવા માટે બિનજરૂરી મુસાફરીને રોકવા માટે અત્યાર સુધી ૨૪૫ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.
કોરોના વાયરસ મહામારીને કારણે ભારતીય રેલવે ખાન-પાન તથા પર્યટન નિગમે તમામ મેલ, એક્સપ્રેસ ટ્રેનોમાં ૨૨ માર્ચથી ખાવા-પીવાની સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. રેલવેની સહાયક કંપની આઈઆરસીટીસીએ જાહેર કરેલા આદેશમાં જણાવ્યું કે, દરેક ફૂડ પ્લાઝા, જન આહાર અને રસોઇને બંધ કરવામાં આવશે.
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, જનતા કર્ફ્યૂ સમયે કુલ ૨૪૦૦ પેસેન્જર ટ્રેન નહીં દોડે. જ્યારે ૧૩૦૦ મેલ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. કોરોના વાઈરસની સ્થિતિને ધ્યાનમાં રાખી રેલવે બિનજરૂરી યાત્રા અટકાવવા માટે અગાઉથી ૨૪૫ યાત્રી ટ્રેન રદ્દ કરી ચુક્યું છે. આઇઆરસીટીસીએ કોરોના વાયરસને લઈ સાવચેતીના પગલે મેલ કે એક્સપ્રેસ ટ્રેનોમાં યાત્રા દરમિયાન ખાવા-પીવાની સુવિધા આગામી નોટિસ મળે ત્યાં સુધી બંધ રાખવા આદેશ આપ્યો છે.
આગામી તા.૨૨ માર્ચને રવિવારના જનતા કર્ફ્યૂને લઇને પશ્ચિમ રેલવેમાં ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને ભાવનગર, સુરત અને વડોદરા વિભાગની તમામ ૨૦૦થી પણ વધુ ડેમુ, મેમુ અને પેસેન્જર ટ્રેનોને રદ કરી દેવાનો નિર્ણય હાલમાં પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો હોવાનું અધિકારીઓનું કહેવું છે. ઉપરાંત ૧૨ એક્સપ્રેસ ટ્રેનોને પણ તા.૨૦ થી ૧ એપ્રિલ સુધીના ગાળામાં રદ કરાઇ છે. તા.૨૧ માર્ચને શનિવારે રાતથી જ ટ્રેન સેવા બંધ રહેશે.
દેશમાં કોરોના વાઈરસનાં વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીએ ગુરુવારે દેશને સંબોધન કરતા લોકોને અપીલ કરી હતી કે, રવિવારે (૨૨ માર્ચ) સવારે ૭ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું પાલન કરે. આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરની બહાર ન નીકળે. સાંજે ૫ વાગે પોતાના ઘરોમાં જ તાળી પાડી, થાળી વગાડી, ઘંટી વગાડી આભાર વ્યક્ત કરશે અને વાઈરસ સામે લડવામાં એકતા દર્શાવશે. ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૨૨૫ થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે.