૨૩ વર્ષની ગુજ્જુ યુવતીએ બનાવ્યું આખા ચહેરાને ઢાંકતું ૪S માસ્ક
વડોદરા: ચહેરાના નાકથી આંખ અને કાન સુધી દરેક જગ્યાને ઢાંકતું એક કમ્પ્લિટ માસ્ક જેના કારણે કોઈપણ પ્રકારના વાયરસને શરીરમાં પ્રવેશ કરવાનો ચાન્સ નથી મળતો તેવી આ પ્રોડક્ટ એન-૯૫ માસ્કના સ્ટાન્ડર્ડ કરતા પણ વધુ સુરક્ષિત છે તેટલું જ નહીં લાંબા સમય સુધી પહેરી રાખવામાં પણ વધુ કમ્ફર્ટેબલ છે.
આ ખાસ પ્રકારનું આખા ચહેરાને ઢાંકતું માસ્ક બનાવ્યું છે ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલમાં રહેતી ૨૩ વર્ષની હેતિકા શાહે જેણે આ માસ્કને ૪જી શિલ્ડ નામ આપ્યું છે. હેતિકાએ કહ્યું કે આ નામ આપવા પાછળનું કારણ આ શિલ્ડ શરીરના ચારેય સેન્સરી ઓર્ગન્સ મોઢું, નાક, કાન અને આંખને પૂર્ણ રીતે કવર કરે છે. સામાન્ય રીતે દરેક વાયરસ આ ચારમાંથી કોઈ એક જગ્યાએથી શરીરમાં પ્રવેશ કરે છે. પરંતુ આ શિલ્ડથી થે પ્રવેશ કરી શકતા નથી. તેણીએ કહ્યું કે એન-૯૯ની ક્ષમતાનું આ માસ્ક બનાવવા માટે નેનો ફાઈબર ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેણે પોતે જ ડેવલોપ કર્યું છે.
પોતાનો ચિલર બિઝનેસ શરૂ કરવાની તૈયારી કરતી શાહે વેસ્ટ એનર્જીમાં કામ કરતા લોકો માટે ફેસ કવર અને ગ્લોવ્ઝ જેવા સેફ્ટી ઇક્વિપમેન્ટ પણ ડિઝાઈન કરવાનું શરૂ કર્યું હતું. જાકે, નિયતીને કંઈક અલગ જ મંજૂર હોય તેમ થોડા સમયમાં કોવિડ-૧૯ મહામારી દુનિયાભરમાં ફેલાઈ અને શાહ માટે સેફટી સાધનો પ્રયોરિટી બની ગયા. તેને પહેલાથી જ મટીરિયલ અને બનાવવાની પદ્ધતિ અંગે ખ્યાલ હતો. તેમજ મહામારીને ધ્યાને રાખીને તેણે આવા સેફ્ટી સાધનો બનાવતા પહેલા કોરોના દર્દીઓની સારવાર કરતા કેટલાક ડોક્ટર્સની સાથે વાતચીત કરી હતી અને તેમને ક્યા પ્રકારની પ્રોડક્ટ વધુ જરૂરિયાત છે તે અંગે પૂરતી માહિતી મેળવી હતી.
શાહે આગળ જણાવ્યું કે, ‘જે ડોક્ટર્સ કલાકો સુધી માસ્ક અને આંખના સેફટી ગોગલ્સ પહેરી રાખે છે તેમના કાન પર દુઃખાવો થતો હોય છે. તેમાં પણ જે ડોક્ટર્સને ચશ્મા છે તેમના માટે તો આ વધુ પીડાદાયક બને છે. દુઃખાવા ઉપરાંત તેમના ચશ્માના ગ્લાસ પર પણ ઘણીવાર સ્ક્રેચિસ પડી જાય છે.’
તેમણે કહ્યું કે, ‘મેં પહેલા આ સેફટી શિલ્ડ માટે રો મટિરિયલ ભેગું કર્યું અને પછી એક વ્યક્તિ જે એન-૯૯ માસ્ક ગ્રેડનું ફેબ્રિક બનાવતો હતો તેમને આપ્યું.’ તેના દ્વારા બનાવવામાં આવેલ આ ફેસ શિલ્ડને ખૂબ મોટી સંખ્યામાં ઓર્ડર પણ મળવા લાગ્યા. આજે તે દરરોજ ૩૦૦૦૦ જેટલા માસ્ક અને ૧૦૦૦ જેટલા ૪જી શિલ્ડ બનાવે છે. આ ઉપરાંત તેઓ એન-૯૯ અને એન-૯૫ તેમજ સાદા ત્રણ લેયર વાળા નોન વુવન ફેબ્રિક માસ્ક પણ બનાવે છે.
તેની દરેક પ્રોડક્ટ માટે જાઈતા ક્વોલિટી સર્ટિફિકેટ્સ પણ મળી ચૂક્યા છે. શાહને આ ઉદ્યોગ શરૂ કરવા માટે રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવોશન પોલિસી અને કેન્દ્ર સરકારના આન્ત્રપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ મદદ પણ મળી છે.