૨૩ હજાર કરોડના બેંક કૌભાંડ મામલે ઈડીએ કેસ દાખલ કર્યો
નવીદિલ્હી, દેશના સૌથી મોટા બેંક કૌભાંડ મુદ્દે તપાસ એજન્સીઓ હવે સક્રિય થઈ ગઈ છે. ઈડી આ કેસમાં એબીજી શિપયાર્ડ વિરુદ્ધ મની લૉન્ડરીંગનો કેસ નોંધ્યો છે. સીબીઆઈ પહેલા જ એબીજી શિપયાર્ડ કંપની અને તેના અધિકારીઓ સામે કેસ નોંધી ચૂકી છે. આ કેસ લગભગ ૨૩ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો છે જેમાં બેંકોના એક જૂથ સાથે છેતરપિંડીનો આરોપ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈની ફરિયાદ અને ફૉરેન્સિક ઑડિટ રિપોર્ટ જાેયા બાદ ઈડીએ મની લૉન્ડરિંગ કાયદાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
ઈડીએ વિશેષ રીતે બેંક લોનની કથિત ‘હેરાફેરી’, લોકોના પૈસાને લૂંટવા માટે નકલી કંપનીઓની રચના અને કંપનીના અધિકારીઓ અને અન્યની ભૂમિકા પર નોટિસ કરશે. સીબીઆઈએ આ મામલે એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના તત્કાલીન ચેરમેન અને વહીવટી સંચાલક ઋષિ કમલેશ અગ્રવાલ સાથે અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ મંગળવારે કૌભાંડના ૫ આરોપીઓ સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યુ હતુ. એટલે કે આ આરોપી હવે દેશ છોડીને જઈ શકે નહિ. એજન્સીએ કહ્યુ કે કેસ નોંધાયા બાદ જ્યારે ૧૩ જગ્યાએ રેડ પાડવામાં આવી ત્યારે આ બધા આરોપીઓ દેશની અંદર જ હતા. સીબીઆઈ મુજબ આ કૌભાંડ વર્ષ ૨૦૦૫થી ૨૦૧૨ની વચ્ચેનુ છે.
કેન્દ્રીય એજન્સીએ કહ્યુ છે કે અમુક રાજ્યો દ્વારા સીબીઆઈ તપાસથી જનરલ કન્સેન્ટ પાછુ લેવાથી પણ સીબીઆઈને અનેક મહત્વપૂર્ણ કેસ નોંધવામાં મુશ્કેલી આવી રહી છે અને આમ કરવુ તેના માટે એક મોટો પડકાર છે. મહારાષ્ટ્ર સહિત અમુક રાજ્યોએ સીબીઆઈ તપાસથી જનરલ કન્સેન્ટ પાછુ લીધુ છે.HS