૨૪૨ દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરાયું
પાલનપુર સીવીલ હોસ્પીટલ ખાતે સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લા વિકલાંગ પુનર્વસન કેન્દ્ર દ્વારા પાલનપુર સીવીલ હોસ્પીટલ ખાતે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ૨૪૨ દિવ્યાંગ લાભાર્થીઓને નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં માન-સન્માન સાથે ગૌરવભેર જીવન જીવી શકે તે માટે સરકારશ્રી દ્વારા દિવ્યાંગ શબ્દ પ્રયોજવામાં આવે છે. તેમણે કહ્યું કે, દિવ્યાંગ લોકોને તેમના લાભો સરળતાથી મળી શકે તે માટે આપવામાં આવતુ દિવ્યાંગ પ્રમાણપત્ર પાલનપુર સીવીલ હોસ્પીટલ ઉપરાંત હવે ડીસા સીવીલ હોસ્પીટલમાંથી પણ કાઢી આપવામાં આવે છે. જેના લીધે દિવ્યાંગ પ્રમાણપત્ર કઢાવવામાં સરળતા થઇ છે.
સાંસદશ્રીએ કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબોના વિકાસ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અનેક યોજનાઓ અમલી બનાવી છે, તેમાં પણ દિવ્યાંગ લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ દિવ્યાંગ સહિત તમામ લોકો રૂ. ૫ લાખ સુધીની કેશલેશ સારવાર ખાનગી હોસ્પીટલોમાં વિનામૂલ્યે મેળવી શકે છે. સરકારી નોકરીમાં દિવ્યાંગો માટે ૩ ટકા અનામત સહિતના અનેક લાભો આપી તેમના જીવનમાં ઉજાસ પથરાય તે માટે આ સરકાર સંકલ્પબધ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતુ.
દિવ્યાંગ બાળકોની સારસંભાળ રાખતા માતા-પિતાને અભિનંદન પાઠવતાં સાંસદશ્રી પટેલે કહ્યું કે, બહેરા-મૂંગા અને શારીરિક તથા માનસિક દિવ્યાંગ બાળકોનું પ્રેમપૂર્વક જતન કરી તેમને ઉછેરવાની જવાબદારી તમે સારી રીતે નિભાવી રહ્યા છો તેને બિરદાવી તમારી સેવાને સલામ કરું છું.
આ પ્રસંગે કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, દિવ્યાંગો સહિત સમાજના તમામ લોકોના કલ્યાણ માટે સરકારશ્રીની અનેકવિધ યોજનાઓ અમલી છે. સિનિયર સીટીઝનો માટે વૃધ્ધ પેન્શન સહાય, વિધવા બહેનો માટે વિધવા સહાય, ગરીબો માટે આવાસ યોજના, અનાથ અને નિરાધાર બાળકો માટે પાલક માતા-પિતા યોજના કાર્યરત છે.
તેવી જ રીતે દિવ્યાંગ વ્યક્તિઓના ઉત્કર્ષ માટે પણ સરકારશ્રીએ યોજનાઓ બનાવી છે તેનો લાભ લઇ જીવનને સારી રીતે જીવીએ. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિના જીવનમાં સંઘર્ષ તો હોય જ છે. દિવ્યાંગ ભાઇ-બહેનો પોતાની જિંદગી સરળતાથી જીવી શકે તે માટે તેમને મદદ કરવા રાજય સરકાર કટીબધ્ધ છે. કલેકટરશ્રીએ જણાવ્યું કે, દિવ્યાંગ વ્યક્તિઓમાં પણ અખૂટ શક્તિઓનો ભંડાર હોય છે તે શક્તિઓને ખિલવીને જીવનને આનંદમય બનાવીએ.