૨૪ કલાકમાં કોરોનાના નવા ૮૬,૪૯૮ દર્દીઓ નોંધાયા
છેલ્લા ૨૪ કલાકમાં એક લાખની અંદર નવા કેસ નોંધાયા છે, જ્યારે ૨૧૨૩ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે. દિન પ્રતિદિન નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક લાખની અંદર નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૧૨૩ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ અગાઉ ગઈ કાલે સોમવારે બહાર પડેલા આંકડા મુજબ દેશભરમાં ૧,૦૦,૬૩૬ નવા કેસ નોંધાયા હતા અને ૨૪૨૭ દર્દીઓના મોત થયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૮૬,૪૯૮ દર્દીઓ નોંધાયા છે.
આ સાથે કુલ કેસનો આંકડો ૨,૮૯,૯૬,૪૭૩ થયો છે. એક દિવસમાં ૧,૮૨,૨૮૨ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં ૨,૭૩,૪૧,૪૬૨ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. નવા કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ હવે ધીરે ધીરે ઘટી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૨૩ દર્દીઓએ કોરોનાથી દમ તોડ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૩,૫૧,૩૦૯ પર પહોંચ્યો છે.
રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૨૩,૬૧,૯૮,૭૨૬ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં ૫ એપ્રિલના રોજ પહેલીવાર કોરોના વાયરસના એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. તે વખતે ૨૪ કલાકમાં ૧ લાખ ૩ હજાર ૮૪૪ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અમેરિકા બાદ ભારત બીજાે એવો દેશ બની ગયો હતો જ્યાં એક જ દિવસમાં કોરોનાના એક લાખથી વધુ કેસ નોંધાયા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ સોમવારે દેશભરમાં ૧૮,૭૩,૪૮૫ કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા કોરોના ટેસ્ટનો આંકડો ૩૬૮૨૦૭૫૯૬ પર પહોંચી ગયો છે.