૨૪ કલાકમાં વધુ ૪૪૬૪૩ લોકો સંક્રમિત, કેરળમાં ૨૨ હજાર કેસ
નવી દિલ્હી: કેરળ રાજ્યમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક થઈ ગઈ છે. ગુરૂવારે અહીં વધુ ૨૨,૦૪૦ લોકો સંક્રમિત થયા છે. જેના કારણે દેશમાં ૨૪ કલાકમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪૪ હજારને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૪,૬૪૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૬૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૮,૫૬,૭૫૭ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૯,૫૩,૨૭,૫૯૫ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ગુરૂવારના દિવસમાં દેશમાં વધુ ૫૭,૯૭,૮૦૮ ડોઝ વેક્સીન આપવામાં આવી છે. નોંધનીય છે કે, કોવિડરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૧૦ લાખ ૧૫ હજાર ૮૪૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
૨૪ કલાકમાં ૪૧,૦૯૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૪ ટકા છે. હાલમાં ૪,૧૪,૧૫૯ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૬,૭૫૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૫ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૭,૬૫,૩૩,૬૫૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૬,૪૦,૨૮૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં થોડો વધારો જાેવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૪ કેસ નોંધાયા છે. જેની સામે ૩૧ દર્દીઓ સાજા થયા છે. જાેકે બુધવાર કરતા આજે ગુરુવારે કોરોનાની કેસ વધ્યા છે. બુધવારે ૧૫ કેસ જ નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૬ થયો છે.
રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૫ ટકા છે. અત્યાર સુધીમાં ૩,૫૦,૦૧,૦૩૪ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. આજે કુલ ૫,૮૧,૪૬૬ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં ૮, સુરતમાં ૭, વડોદરામાં ૪, આણંદમાં ૪, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢમાં ૨-૨, જામનગર, નવસારી, સાબરકાંઠામાં ૧-૧ સહિત કુલ ૩૧ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ ૨૦૬ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૨૦૦ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૧૪૬૯૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.