૨૪ કલાકમાં ૧૩,૭૪૨ નવા કેસ, ૧૦૪ દર્દીઓએ જીવ ગુમાવ્યો
નવીદિલ્હી: ભારતમાં એક તરફ કોરોના વેક્સીનેશનના પહેલા ચરણમાં અત્યાર સુધી ૧ કરોડ ૨૧ લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કરોને રસી આપવામાં આવી ચૂકી છે. તો બીજી તરફ કોવિડના નવા સ્ટ્રેન મળવાની સાથોસાથ સંક્રમણના કેસો વધવાથી કેન્દ્ર સરકારની સાથોસાથ રાજ્ય સરકારો પણ ચિંતિત બની છે. મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢમાં કોરોના વેક્સીનેશનને વધુ વેગ આપવા કેન્દ્રએ સૂચન કર્યું છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૧,૬૫,૫૯૮ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૩,૭૪૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૦૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૦,૩૦,૧૭૬ થઈ ગઈ છે.
કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૭ લાખ ૨૬ હજાર ૭૦૨ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૪,૦૩૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૪૬,૯૦૭ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૬,૫૬૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૪ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૨૧,૩૦,૩૬,૨૭૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૮,૦૫,૮૪૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો, કોરોનાના નવા કેસ ૩૦૦થી પણ વધારે સામે આવ્યા હતા. મંગળવારે રાજ્યમાં કુલ કોરોનાના નવા ૩૪૮ કેસ નોંધાયા છે. જ્યારે ૨૯૪ દર્દી સ્વસ્થ થયા હતા. અમદાવાદમાં ૬૯, સુરતમાં ૬૧, વડોદરામાં ૬૭, રાજકોટમાં ૪૪, જામનગરમાં ૮, ભાવનગરમાં ૪, જૂનાગઢ ૩ અને ગાંધીનગરમાં ૪ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ ૧૭૮૬ કેસ છે. જેમાના ૩૫ દર્દીઓ વેન્ટિલેટર છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના ૧,૪૭૦ નવા કેસ નોંધાઇ ચૂક્યા છે અને તેના ઉપરથી જ સર્જાઇ રહેલી ગંભીર સિૃથતિનો તાગ મેળવી શકાય છે. રાહતની વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.બીજી તરફ, બનાસકાંઠા-બોટાદ-દાહોદ-ડાંગ-જામનગર-પોરબંદર-સુરેન્દ્રનગર અને વલસાડ એમ ૮ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.