૨૪ કલાકમાં ૧૩,૭૮૮ નવા કેસ નોંધાયા, ૧૪૫ દર્દીનાં મોત
નવીદિલ્હી, ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન આગળ ધપી રહ્યું છે અને બીજી તરફ સંક્રમિત લોકોની સંખ્યા પણ ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી તંત્ર રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૩,૭૮૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૪૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૫,૭૧,૭૭૩ થઈ ગઈ છે.
બીજી તરફ, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૨ લાખ ૧૧ હજાર ૩૪૨ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૪,૪૫૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૦૮,૦૧૨ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૨,૪૧૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૭ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૮,૭૦,૯૩,૦૩૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના ૨૪ કલાકમાં માત્ર ૫,૪૮,૧૬૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૧૮ કેસ નોંધાયા છે. જેની સામે ૭૦૪ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૨ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪૩૬૫ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૫.૭૯ ટકા છે. ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં ૯૯, સુરતમાં ૮૬, વડોદરામાં ૮૯, રાજકોટમાં ૭૬, જામનગરમાં ૧૭, કચ્છમાં ૧૬, જૂનાગઢ, ગાંધીનગરમાં ૧૫, મહેસાણામાં ૧૪-૧૪, ભરુચમાં ૧૦, દાહોદ, ગીર સોમનાથમાં ૯-૯ સહિત કુલ ૫૧૮ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના કારણે ૨ દર્દીઓના મોત થયા છે. બંને મોત અમદાવાદમાં થયો છે. બીજી તરફ અમદાવાદમાં ૧૭૬, સુરતમાં ૧૩૨, વડોદરામાં ૬૬, રાજકોટમાં ૧૭૨, સાબરકાંઠામાં ૧૯, જામનગરમાં ૧૭ સહિત ૭૦૪ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.ગુજરાતમાં અત્યારે કુલ ૬૪૦૦ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૫૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૬૩૪૭ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨,૪૫,૧૦૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.HS