Western Times News

Gujarati News

૨૪ કલાકમાં ૩,૪૮,૩૭૧ નવા કેસ નોંધાયા, ૪૨૦૫નાં મોત

કેસ સતત ૩ દિવસ સુધી ૪ લાખને પાર ગયા બાદ તેમાં સતત ૩ દિવસથી આંકડો ૪ લાખની નીચે નોંધાઈ રહ્યો છે

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો સતત ત્રીજા દિવસે નીચો આવ્યો છે, આવું માર્ચ પછી પહેલીવાર બન્યું છે. કોરોનાના નવા કેસનો આંકડો પીક પર પહોંચ્યા પછી હવે નીચે આવી રહ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જાેકે, ફરી એકવાર ભારતમાં કોરોનાથી થતા મૃત્યુના આંકમાં વધારો થયો છે, મંગળવારે દેશમાં કોરોનાના લીધે ૪,૨૦૫ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જે અત્યાર સુધીનો એક દિવસમાં થયેલા મૃત્યુનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા શુક્રવારે ૪,૧૮૭ લોકોના જીવ ગયા હતા. ભારતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો ૨.૫ લાખને પાર કરી ગયો છે, જેમાંથી ૫૦,૦૦૦ જેટલા મોત ૩,૫૨૮ની એવરેજ સાથે પાછલા ૧૪ દિવસમાં થયા છે.

સતત બીજા દિવસે એક દિવસમાં નોંધાતા કોરોનાના નવા કેસનો આંકડો ૩.૫ લાખની નીચે રહ્યો છે, મંગળવારે દેશમાં વધુ ૩,૪૮,૩૭૧ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં બે દિવસ મૃત્યુઆંક ૬૦૦ની નીચે રહ્યા બાદ ૭૯૩ નવા મૃત્યુ નોંધાયા છે. આ સિવાય ૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીના સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. જેમાં તામિલનાડુમાં મૃત્યુઆંક ૨૪૧થી વધીને ૨૯૮ નોંધાયો છે.

ભારતમાં કોરોનાના કેસ સતત ૩ દિવસ સુધી ચાર લાખને પાર ગયા બાદ તેમાં સતત ત્રણ દિવસથી આંકડો ૪ લાખની નીચે નોંધાઈ રહ્યો છે, જાેકે, ગઈકાલે જાહેર કરાયેલા આંકડામાં નવા કેસ ૩,૨૯,૯૪૨ પર પહોંચ્યા હતા, જ્યારે પાછલા ૨૪ કલાકમાં ૩,૪૮,૩૭૧ નવા કેસ નોંધાયા છે.

બીજી તરફ કેરળ, કર્ણાટકા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબ અને ગોવા જેવા રાજ્યોમાં રોજ નોંધાતા કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. લગભગ ૨૬ રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ૧૫% કરતા વધુ છે, જેમાંથી ૯ રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ૨૫% કરતા પણ વધારે છે. કેન્દ્ર દ્વારા રાજ્ય સાથે થતી ચર્ચામાં કોરોનાને રોકવા માટે કડક પગલા ભરવા અંગે જણાવવામાં આવી રહ્યું છે.

સરકાર કહે છે કે સતત કોરોનાના બદલાતા ટ્રેન્ડ પર નજર રાખવાની જરુર છે, જેથી કેસને ઝડપથી ડામી શકાય. જ્યાં કેસ સતત વધતા હતા ત્યાં નિયંત્રણો લગાવ્યા બાદ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશનો કોરોના પોઝિટિવિટી રેટ લગભગ ૨૧% છે અને લગભગ ૪૨% (૩૧૦/૭૩૪) જેટલા જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ દેશના પોઝિટિવિટી રેટ કરતા વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.