૨૪ કલાકમાં ૪૦ હજારથી વધુ લોકો થયા સંક્રમિત, ૧૯૯ દર્દીઓએ જીવ ગુમાવ્યો
નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા ૨૪ કલાકમાં પણ ૪૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રમાં જ માત્ર ૨૪ હજાર કેસ નોંધાયા છે. પંજાબમાં ૨૩૦૦થી વધુ કેસ નોંધાયા છે તો ગુજરાતે પણ ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં કુલ કેસોની સંખ્યા ૨૫ લાખને પાર થઈ ગઈ છે. મૃત્યુઆંકની વાત કરીએ તો ૧૯૯ લોકોનાં મોત થયા છે જેમાં સૌથી વધુ પંજાબ અને મહારાષ્ટ્રમાં ૫૮-૫૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. છત્તીસગઢમાં ૧૨ અને કેરળમાં ૧૨ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
દેશમાં કુલ ૪ કરોડ ૮૪ લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં સોમવારે ૩૦ લાખથી વધુ લોકોને કોવિડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૦,૭૧૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૯૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૬,૮૬,૭૯૬ થઈ ગઈ છે.
વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧૧ લાખ ૮૧ હજાર ૨૫૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨૯,૭૮૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩,૪૫,૩૭૭ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૬૦,૧૬૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.મહત્ત્વની વાત એ છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૨ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૩,૫૪,૧૩,૨૩૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૯,૬૭,૪૫૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતના જિલ્લા મુજબ વાત કરીએ તો, સુરતમાં રેકોર્ડબ્રેક ૪૮૩, અમદાવાદમાં ૪૮૩, વડોદરામાં ૧૫૯, રાજકોટમાં ૧૪૬, ભરૂચમાં ૧૪, મહેસાણામાં ૧૨, જામનગરમાં ૨૮, ખેડામાં ૪૧, પંચમહાલમાં ૨૩, ભાવનગરમાં ૩૨, ગાંધીનગરમાં ૩૪, કચ્છમાં ૧૭, આણંદમાં ૯, દાહોદમાં ૨૩, નર્મદામાં ૧૬, સાબરકાંઠામાં ૭, છોટાઉદેપુરમાં ૪, અમરેલીમાં ૧૦, જૂનાગઢમાં ૧૧, મહીસાગર૪, મોરબીમાં ૧૭, અરવલ્લી ૨, બનાસકાંઠા ૬, ગીરસોમનાથમાં ૮, વલસાડ ૩, પાટણ ૧૫, સુરેન્દ્રનગર ૭, તાપી ૭, બોટાદ૧, -૨. ડાંગ ૧, દેવભૂમિ દ્વારકા ૩, પોરબંદરમાં ૦ કેસ નોંધાયા છે.ગુજરાતમાં હાલ કુલ ૭૮૪૭ એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ ૭૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૭૭૭૪ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ ૨,૭૬,૩૪૮ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ ૪૪૫૪ દર્દીનાં મૃત્યુ થયા છે. આજે ૪ દર્દીનાં મોત થયું છે. જેમાં અમદાવાદ ૨, સુરતમાં ૨ નિધનનો સમાવેશ થાય છે.