૨૪ કલાકમાં ૪૧,૮૦૬ લોકો સંક્રમિત થયા, ૫૮૧ દર્દીનાં મોત
નવીદિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર ફરી વધી રહ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે. ૨૪ કલાકમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા ફરી ૪૦ હજારથી ઉપર નોંધાઈ રહી છે. પરંતુ રાહતની વાત એ છે સપ્તાહનો પોઝિટિવીટ રેટ ૫ ટકાથી નીચે રહ્યો છે, હાલમાં તે ૨.૨૧ ટકા છે. આ ઉપરાંત કોવિડ રિકવરી રેટમાં પણ સુધારો નોંધાતા તે ૯૭.૨૮ ટકાએ પહોંચી ગયો છે. ભારતમાં કુલ ૪૩.૮૦ કરોડ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી ચૂક્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૧,૮૦૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૮૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૯,૮૭,૮૮૦ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૯,૧૩,૪૦,૪૯૧ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં ૩૪,૯૭,૦૫૮ લોકોને રસી આપવામાં આવી છે.
નોંધનીય છે કે, કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૩ કરોડ ૧ લાખ ૪૩ હજાર ૮૫૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૯,૧૩૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૩૨,૦૪૧ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૧૧,૯૮૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૪ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૩,૮૦,૧૧,૯૫૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૯,૪૩,૪૮૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ ની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૧ કેસ નોંધાયા છે. જેની સામે ૭૧ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૪ યથાવત છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૬૯ ટકા છે.
ગુજરાતમાં બુધવારના દિવસ દરમિયાન ૨૨ જિલ્લામાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે જ્યારે બાકીના જિલ્લામાં ૧-૯ સુધી નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૯ કેસ નોંધાયા છે. રાજ્યમાં હવે ફક્ત ૬૮૯ એક્ટિવ કેસ બચ્યા છે. આ પૈકીના ૮ કેસ વેન્ટિલેટર પર છે જ્યારે કુલ ૮,૧૩,૫૮૩ દર્દીઓ સાજા થઈને પરત પોતાના ઘરે જતા રહ્યા છે.