૨૪ લોકોને અપાયા ભારતીય નાગરિકત્વ
પાકિસ્તાનમાંથી ભારત સ્થળાંતરિત થયેલાં સ્વતંત્રતા દિવસના બે દિવસ પૂર્વે ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરતાં લોકોની આંખોમાં હરખનાં આસું જાેવા મળ્યા હતા
રાજકોટ,રાજકોટ ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનમાંથી ભારત સ્થળાંતરિત થયેલાં રાજકોટનાં ૨૪ લોકોને ભારતીય નાગરિકત્વ અર્પણ કરાવામાં આવ્યું હતું. દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ૨૪ લોકોને આઝાદીના મહત્વનો લાગણીસભર અનુભવ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ તેમને ભારતીય નાગરિકત્વ સર્ટિફિકેટ આપીને કરવામાં આવ્યો હતો. સ્વતંત્રતા દિવસના બે દિવસ પૂર્વે ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરતાં લોકોની આંખોમાં હરખનાં આસું જાેવા મળ્યા હતા.
હર્ષ સંઘવીએ ૨૪ નાગરિકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આખો દેશ “આઝાદી કા અમૃત મહોત્સવ”ને ઉજવી રહ્યો છે. આજે તિરંગા યાત્રાનું આયોજન કરીને રાજકોટ શહેરમાં નવો ઇતિહાસ રચાયો છે. દરેક રાજકોટવાસી તિરંગો લહેરાવીને દેશભક્તિના રંગે રંગાયું છે ત્યારે રાજકોટ જિલ્લામાં આજે વધુ એક હૃદય સ્પર્શી વાત બની છે. આજે પાકિસ્તાનમાંથી ભારતમાં અને તેમાં પણ રાજકોટમાં સ્થળાંતરિત થયેલાં લોકોને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું છે તે બદલ શુભેચ્છાઓ પાઠવું છું.
એવિએશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતી કિશોરી કેશર શંકરચંદે ગૃહમંત્રીનો આભાર માનીને કહ્યું હતું કે, આજે મારા સ્વપ્નોને સાચા અર્થમાં નવી ઉડાન મળી છે. ભારતીય નાગરિકત્વ ન હોવાને કારણે મારા સ્વપ્નને પૂર્ણ કરવામાં અનેક અડચણો આવતી હતી. પરંતુ આજે નાગરિકત્વ મળતાં એ અડચણો દૂર થઈ ગઈ છે. કેશરની આ વાતને ધ્યાને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બહેન કેશરને ઉંચી ઉડાન ભરવા માટે નાગરિકત્વ મળી ચુક્યું છે.
તેમનું એવીએશન ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જલ્દી પૂરું થાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત મહાન ભારત દેશના નાગરિક બનવાનો અવસર મળ્યો જે ગર્વની વાત છે. સૌના સુખે સુખી અને સૌના દુઃખે દુઃખી થવાની કૌટુંબિક ભાવના રાખતો ભારત દેશ તમારા સ્વપ્નોને પુરા કરવા માટે શ્રેષ્ઠ તકો પુરી પાડશે. આ પ્રસંગે હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનોને પ્રસંશાપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, સ્પેશિયલ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સહિતના પોલીસ જવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ss1