૨૬મી જાન્યુઆરીની ઉજવણીમાં આતંકી હુમલાની દહેશત
નવીદિલ્હી: ૨૬મીએ જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે, જોકે આ ઉજવણીને ધ્યાનમાં રાખીને આતંકીઓ સક્રિય થઇ ગયા છે અને કોઇ પણ સ્થળે હુમલો કરી શકે છે. પાકિસ્તાની સૈન્ય દ્વારા ૨૬મી જાન્યુઆરીએ સરહદે મોટા પ્રમાણમાં તોપમારો પણ થઇ શકે છે. જેને ધ્યાનમાં રાખીને હાલ સૈન્ય અને પોલીસને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે એવા પણ અહેવાલો છે કે આતંકીઓ કાશ્મીરમાં સૈન્ય કેમ્પો પર આત્મઘાતી હુમલો કરી શકે છે. તેથી આવા સૈન્ય કેમ્પોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
એવા અહેવાલો પણ છે કે પાકિસ્તાની અને અફઘાનિસ્તાની આતંકીઓ મળીને કોઇ મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. આ હુમલો સરહદે, કાશ્મીરમાં, દિલ્હીમાં અથવા ક્યાંય પણ થઇ શકે છે. ૨૬મી જાન્યુઆરીની ઉજવણીને અસર પહોંચાડવા માટે પણ પાકિસ્તાન આ કાવતરુ કરી રહ્યું હોવાનો ગુપ્ત રિપોર્ટ સામે આવ્યો છે જે બાદ સૈન્યને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. કાશ્મીરમાં આતંકીઓ એપ્પલના બગીચામાં ભેગા થઇને સૈન્ય કેમ્પો ઉડાવવાનો પ્લાન ઘડયો છે જેને એપ્પલ પ્લાન તરીકે ઓળખવામાં આવે છે.
એવી પણ શક્યતાઓ છે કે પાકિસ્તાન ડ્રોનની મદદથી હથિયારો મોકલી શકે છે. જેનો ઉપયોગ બાદમાં આતંકીઓ સૈન્ય અથવા નાગરિકો પર હુમલા માટે કરી શકે છે. સરહદ ે હાલ ઇંટીગ્રેટેડ ચેક પોસ્ટ, અટારી બોર્ડર, હુસૈનીવાલા બોર્ડર અને કરતારપુર કોરિડોર પર એલર્ટ કરી દેવામાં આવ્યું છે. બીએસએફ દ્વારા હાલ આતંકીઓને ઘુસતા રોકવા અને પાકિસ્તાનના કોઇ પણ પ્રકારના ગોળીબારનો જવાબ આપવાની તૈયારી કરી લીધી છે અને તેને ઓપરેશન સર્દ હવા નામ આપ્યું છે. સાથે જ આતંકી હુમલાની શંકાને ધ્યાનમાં રાખીને સરહદે સૈન્ય સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. ગુપ્ત રિપોર્ટ અનુસાર છ રીતે આતંકી હુમલો થઇ શકે છે જેમાં પંજાબ અને રાજસ્થાનના ડ્રગ્સ તસ્કરોનો પણ ઉપયોગ કરી શકે છે.
આ ઉપરાંત ગુજરાતના સમુદ્રી વિસ્તારનો ઉપયોગ કરીને પણ આતંકીઓ ઘુસવાની ફિરાકમાં છે. જેને પગલે હાલ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીરની સરહદે એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧૩ નાના નાળા અને ત્રણ મોટી નદીઓ પર પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. પંજાબની જે નદીઓ છે ત્યાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ પણ વધારી દેવામાં આવ્યું છે. ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે.