૨૭ થી ૩૦ જાન્યુ. દરમિયાન સ્કૂલોમાં છઠ્ઠી એકમ કસોટી
૫ ફેબ્રુ. સુધીમાં ઉત્તરવહીઓ જમા કરાવવાની રહેશે
અમદાવાદ, રાજ્યની શાળાઓમાં છઠ્ઠી એકમ કસોટીનો ૨૭મી જાન્યુઆરીથી પ્રારંભ થશે અને ૩૦ જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં ધોરણ ૩થી૮ની એકમ કસોટી ૨૮ અને ૨૯ જાન્યુઆરી લેવાશે જ્યારે ધોરણ ૯થી૧૨ની એકમ કસોટી ૨૭-૩૦ જાન્યુઆરી વચ્ચે યોજાશે. એકમ કસોટીના પ્રશ્નપત્રો પૂરા કર્યા પછી ૫ ફેબ્રુઆરી સુધીમાં ઉત્તરવહીઓ સ્કૂલમાં જમા કરાવવાની રહેશે.
પ્રાથમિક વિભાગમાં ધોરણ ૩થી૫માં પર્યાવરણ અને ધોરણ ૬થી૮માં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની કસોટી લેવાશે. કોવિડ-૧૯ના સમયમાં હોમલર્નિંગની સાથે મૂલ્યાંકન હેતુસર ડિસેમ્બરમાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૩થી૮ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને ગણિત વિષયની સામયિક મૂલ્યાંકન કસોટી યોજાઈ હતી.
જાન્યુઆરી ૨૦૨૧માં રાબેતા મુજબ એકમ કસોટી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, શિક્ષણ વિભાગ દ્વારા જાન્યુઆરીમાં છઠ્ઠી એકમ કસોટી લેવામાં આવશે. જાન્યુઆરીમાં યોજાનારી એકમ કસોટી ૨૮ અને ૨૯ જાન્યુઆરીના રોજ યોજાશે. જેના માટે ૨૭ જાન્યુઆરીએ પ્રશ્નપત્રોની હાર્ડકોપી અથવા સોફ્ટ કોપી પહોંચાડવામાં આવશે. ૨૭મીએ જીસીઈઆરટીની વેબસાઈટ પર પણ તમામ પ્રશ્નપત્રો મૂકી દેવાશે જેથી વાલીઓ સરળતાથી પેપર મેળવી શકે.
ઉપરાંત ગુજરાતી માધ્યમની કસોટીઓ જે તે વિષયના પાઠ્યપુસ્તકની અનુક્રમણિકા પરના ક્યૂઆર કોડથી મેળવી શકાશે. કસોટીની ઉત્તરવહીઓ ૫ ફેબ્રુઆરી સુધીમાં વાલીઓએ શાળા સુધી પહોંચાડવાની રહેશે. લર્નિંગ આઉટકમના આધારે કસોટીઓ તૈયાર કરવામાં આવશે. આ કસોટી માટેનો અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પ્રાથમિકની સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ એકમ કસોટી યોજાશે.
ધોરણ ૯થી૧૨ની એકમ કસોટી ૨૭ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે અને ૩૦ જાન્યુઆરી સુધી ચાલશે. કસોટી શરૂ થશે તે જ દિવસે સવારે ૧૧ વાગ્યે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો હાર્ડકોપી અથવા સોફ્ટકોપીમાં મોકલી અપાશે. છઠ્ઠી એકમ કસોટીનો અભ્યાસક્રમ ડિસેમ્બર માસ સુધીનો રહેશે. શિક્ષણ બોર્ડ દ્વારા ૨૨ જાન્યુઆરીના રોજ ડીઈઓને પ્રશ્નપત્રો મોકલી અપાશે. સ્કૂલના આચાર્યોને આ પેપર ૨૩ જાન્યુઆરીએ મળી જશે. જાે કે, વિદ્યાર્થીઓને પેપર ૨૭ જાન્યુઆરીના રોજ મોકલવાના રહેશે.