૨૭ સપ્તાહનો ગર્ભ હોવાથી જામીન માટે નિકિતાની અરજી
અમદાવાદ,: ગયા વર્ષે શહેરના ગોતા વિસ્તારમાં વહુ દ્વારા સાસુની કથિત હત્યા કરાઈ હોવાની ચોંકાવનારી ઘટનામાં હાલ જેલમાં બંધ વહુએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. અરજકર્તા નિકિતા ઉર્ફે નાયરા અગ્રવાલને હાલ ૨૭ સપ્તાહનો ગર્ભ છે. પોતાની જામીન અરજીમાં તેણે જણાવ્યું છે કે હાલ જાે તેને જામીન પર છોડવામાં આવે તો તેનાથી કેસને કોઈ અસર નહીં થાય અને તેને ગર્ભાવસ્થામાં સારી સંભાળની જરુર છે, જે જેલમાં મુશ્કેલ છે.
નિકિતાની જામીન અરજી અગાઉ નીચલી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી ચૂકી છે, જેથી તેણે હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. નિકિતા પર આરોપ છે કે તેણે તેની સાસુ રેખા અગ્રવાલના માથામાં લોખંડના સળિયાના ઘા ઝીંકીને હત્યા કરી હતી, અને બાદમાં લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ૨૭ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ સાસુ-વહુ વચ્ચે જાેરદાર ઝઘડો થયા બાદ નિકિતાએ સાસુની હત્યા કરી હતી.
નિકિતાના પતિ દીપક અગ્રવાલની ફરિયાદ પર પોલીસે નિકિતાની ધરપકડ કરી હતી. હાલ તે સાબરમતી જેલમાં બંધ છે. જામીન અરજીમાં તેણે દાવો કર્યો છે કે આ કેસમાં તેને ખોટી રીતે સંડોવી દેવામાં આવી છે, અને તેની સામેના આરોપો માત્ર અનુમાન પર આધારિત છે. પોતે ભણેલી-ગણેલી તેમજ એમબીએની ડિગ્રી ધરાવે છે, તેમજ સપ્ટેમ્બર ૨૦૨૦થી પ્રેગનેન્ટ છે, અને હાલ તેને ઘરમાં મળી શકે તેવી યોગ્ય સંભાળની જરુર છે.
નિકિતાના લગ્ન જાન્યુઆરી ૨૦૨૦માં માર્બલના વેપારી દીપક અગ્રવાલ સાથે થયા હતા. નિકિતા અને દીપક બંને મૂળ રાજસ્થાનના છે. આ પરિવાર ગોતાના રોયલ હોમ્સ ફ્લેટ્સમાં રહેતો હતો. નિકિતા અને તેના સાસુ વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. જાેકે, તે પ્રેગનેન્ટ થઈ ત્યારબાદ તેના સાસુએ તેના પર લગ્નેત્તર સંબંધનો આક્ષેપ કરતાં બંને વચ્ચેનો તણાવ ઓર વધ્યો હતો.
પોતાના સાસુ રેખા અગ્રવાલનું નિકિતાએ મર્ડર કર્યું તે દિવસે તેનો પતિ દીપક કામકાજ અર્થે ઘરની બહાર હતો, અને તેના સસરા એક હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. ઘરમાં સાસુ-વહુ એકલા જ હતાં ત્યારે તેમની વચ્ચે સવારથી જ ઝઘડો શરુ થયો હતો, અને તે વખતે આવેશમાં આવી જઈ નિકિતાએ કથિત રીતે સાસુના માથામાં લોખંડનો સળિયો ઝીંકી તેમની હત્યા કરી નાખી હતી. આ હુમલા બાદ રેખા અગ્રવાલનું ત્યાં જ મોત થઈ ગયું હતું.