૨ ઓક્ટોબર સુધી આયુષ્યમાન ભારત પખવાડિયાની ઉજવણી કરાશે
પાલનપુર આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણને તા.23/09/2019 ના રોજ એક વર્ષ પૂર્ણ થનાર છે. જેને ધ્યાને લઇ ભારત સરકારે સમગ્ર દેશમાં તા.15/09/2019 થી 2/10/2019 સુધી “આયુષ્યમાન ભારત પખવાડિયા” તરીકે ઉજવવાનુ નક્કી કર્યુ છે. આ પખવાડિયું ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ યોજનાનો પ્રચાર પ્રસાર કરી જાગૃતી ફેલાવવાનો છે જેથી લાભાર્થીઓને યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે અને વધુમાં વધુ લોકો યોજનાનો લાભ મેળવી શકે.
બનાસકાંઠા જિલ્લામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રચાર પ્રસાર થાય અને જરૂરીયાતમંદ વ્યક્તિ સુધી યોજનાની માહિતી પહોંચી શકે તે માટે તા.15/09/2019ના રોજ પાલનપુર સીવીલ હોસ્પિટલથી લઇ જિલ્લા પંચાયત સુધી પ્રભાતફેરી રેલીનુ આયોજન કર્યુ છે તે મુજબ આયુષ્યમાન ભારત અંતર્ગત જિલ્લામાં કાર્યરત 88 હેલ્થ અને વેલનેશ સેન્ટર પરથી પણ પ્રભાતફેરી રેલીનું આયોજન કરેલ છે. નોન કોમ્યુનિકેબલ ડિસીસ ટીમ દ્વારા પણ એનસીડી સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરેલ છે. તા.16-09-2019 થી 20-09-2019 સુધી પાંચ દિવસ સતત આ સેન્ટરો ઉપર એનએસડી સ્ક્રીનીંગ કેમ્પ કરવાનુ નક્કી કરેલ છે. તા. 23-09-2019 “આયુષ્માન ભારત દિન” તરીકે ઉજવણી કરવાનુ નક્કી કરેલ છે.
જેને અનુલક્ષીને સ્ક્રીનીંગ કેમ્પ સાથે સાથે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ વિતરણ કેમ્પ, ઇ ગ્રામ સેન્ટર અને કોમન સર્વીસ સેન્ટરના મેનેજરશ્રી દ્વારા કરાશે. સાથે સાંસ્ક્રૃતિક કાર્યક્રમ, જાહેર સ્થળો પર પેમ્ફ્લેટ વિતરણ, હોર્ડિગ્સ દ્વારા યોજનાનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. તા.29-09-2019 વલ્ડ હાર્ટ ડે ની ઉજવણી તેમજ તા.1-10-2019 વર્લ્ડ એલ્ડરલી ડે ની ઉજવણીમાં પણ “આયુષ્માન ભારત પખવાડિયા” અંતર્ગત કરવામાં આવનારી છે. જેમાં આયુષ્માન ભારત- પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના, મા યોજના, મા વાત્સલ્ય યોજના વિશેની માહિતી આપવામાં આવશે.
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં બનાસકાંઠા જિલ્લામાં સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ 2011 મુજબ 2 લાખ, 24 હજારથી વધારે પરિવારોના આ યોજનામા નોંધાયેલા છે તેઓ અને સંવેદનશીલ ગુજરાત સરકારના તા.1/3/2019ના ઠરાવ મુજબ તમામ મા યોજના કે મા વાત્સલ્ય યોજનાનાં લાભાર્થીઓને પણ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાં લાભાર્થીઓની જેમ નાની મોટી તમામ બિમારીઓમાં 5 લાખ સુધીનો સરખો લાભ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાંથી આપવામાં આવે છે. લાભાર્થી પરિવાર પાસે કોઇ એક કાર્ડમાં નામ હોય તે તેઓશ્રી આ યોજનાનો સરખો લાભ મેળવી શકે છે.
બનાસકાંઠા જિલ્લામાં 3 લાખ 39 હજારથી વધારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ગોલ્ડન કાર્ડ ધારકો છે અને 1 લાખ 39 હજાર કરતા વધારે પરિવારો મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજનામાં અને 3 લાખ 72 હજારથી વધુ પરિવારો મા-વાત્સલ્ય યોજનામાં નોધાયેલા છે. 156 સરકારી અને 94 પ્રાઇવેટ મળી કુલ- 250 જેટલી હોસ્પિટલો આ યોજનામાં સંકળાયેલી છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બનાસકાંઠાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.