૨ વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ : સિવિલના તબીબોએ ભારે જહેમત ઉપાડી સર્જરી દ્વારા બલ્બ દૂર કર્યો
બલ્બના ઇલેકટ્રોડ્સ શ્વાસનળી અને ફેફસા વચ્ચે ફસાઇ ગયા
બે બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા બાહ્ય પદાર્થ કાઢવામાં આવ્યા-બાળકોને સંવેદનશીલ પદાર્થોથી દૂર રાખવા સિવિલ સુપ્રીટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીનો અનુરોધ
૨ વર્ષની બાળકી રમકડા સાથે રમતી વખતે LED બલ્બ ગળી ગઇ. જે શ્વાસનળી સુધી પહોંચ્યો. LED બલ્બના ઇલેક્ટ્રોડ્સના બંને છેડામાંથી એક છેડો જમણી બાજુના ફેફસામાં જ્યારે અન્ય છેડો શ્વાસનળીમાં ફસાઇ ગયો.ભારે જહેમત ઉપાડીને સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમે સર્જરી હાથ ધરીને બલ્બ સફળતાપૂર્વક દૂર કર્યો.
૧૦ મી ડિસેમ્બરે બે બાળકો બાહ્ય પદાર્થ ગળી જવાની ફરિયાદ અને દુખાવા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી પહોચ્યા. ૨ વર્ષની જ્યોતિ જ્યારે રમકડા થી રમી રહી હતી ત્યારે રમત રમતમાં રમકડામાં લગાવેલ એલ.ઇ.ડી. બલ્બ ગળી ગઇ.
તેની માતા રાજકુમારીબેનને આ બાબતની જાણ થતા તેઓ સત્વરે સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આવી પહોંચ્યા. હોસ્પિટલમાં એક્સ-રે અને સી.ટી. સ્કેન કરાવવામાં આવ્યા જેમાં આ એલ.ઇ.ડી. બલ્બ શ્વાસનળીમાં ફસાઇ ગયેલ હોવાનું નિદાન થયું.
આવા જ બીજા એક કિસ્સામાં મહેસાણાના હનુભાઇ વણઝારાની બે વર્ષની દિકરી હિનાને ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સ્થાનિક હોસ્પિટલમાં સી.ટી. સ્કેન કરાવતા ખબર પડી કે સીંગનો દાણો શ્વાસનળીમાં ફસાઇ ગયો છે. જેને અત્યંત જટીલ અને નિષ્ણાંત તબીબો જ સર્જરી દ્વારા દૂર કરી શકશે.
જેના સારવાર અર્થે હીનાના પિતાશ્રી બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા.જ્યાં ડૉ. મહેશ વાધેલા અને એનેસ્થેસિયા વિભાગના ડૉ. કિરન પટેલે આ જટીલ સર્જરી પાર પાડવાની જહેમત ઉપાડીને તેને સફળતાપૂર્વક પાર પાડી.
જ્યારે ૨ વર્ષીય જ્યોતિની સમસ્યા અત્યંત જટીલ હોવાથી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ.રાકેશ જોષી અને તેમની ટીમે એનેસ્થેસિયા વિભાગના ડૉ. સીમા ગાંધી ના સહયોગથી સમગ્ર સર્જરી હાથ ધરીને સફળતાપૂર્વક પાર પાડી.
ડૉ. રાકેશ જોષી દરેક માતા-પિતાને પાંચ વર્ષથી નાના બાળકોને રમકડા, સંવેદનશીલ પદાર્થો થી દૂર રાખવા અનુરોધ કરે છે. આવા પદાર્થો બાળક જ્યારે ગળી જાય ત્યારે ઉપરોક્ત કિસ્સા મુજબ ઘણી વખત શ્વાસનળીમાં પ્રવેશે છે. જેનાથી બાળક ગંભીર મુશકેલીમાં મુકાઇ શકે છે.
અગાઉ એસિડ અને અન્ય જવલંત પદાર્થો ભુલથી ગળી જવાના કિસ્સા પણ સામે આવતા હતા. આ તમામ પ્રકારની તકલીફોથી બચવા માટે સાવચેતી એ જ સલામતીને ધ્યાને રાખીને પોતાના બાળકની સારસંભાળ રાખવાની ડૉ. જોષી સલાહ આપે છે. -અમિતસિંહ ચૌહાણ