૨-૩ ડિસેમ્બરે તમિલનાડુ, કેરળમાં વરસાદની આગાહી
નવી દિલ્હી: હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડી પર લો પ્રેશનની સ્થિતિનું નિર્માણ થયું છે. જે ડીપ લો પ્રેશરમાં ફેરવાય તેવી સંભાવના છે. તે આગામી ૨૪ કલાકમાં વાવાઝોડામાં ફેરવાઇ શકે છે.
આ સાથે જ હવામાન વિભાગે આગામી ૨-૩ ડિસેમ્બરે દક્ષિણ તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વાવાઝોડાના પ્રભાવને કારણે તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કેરળ અને આંધ્રપ્રદેશમાં ૧થી ૪ ડિસેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગએ જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર સર્જાયેલા પ્રેશર આગામી ૨૪ કલાકમાં વાવાઝોડામાં ફેરવાઇ શકે છે. આ એલર્ટને જોતાં માછીમારોને સમુદ્ર તટ પર ન જવાની સલાહ આપવામાં આવી છે. કન્યાકુમારીના કલેક્ટરે કહ્યું કે, જે માછીમારો બોટ લઇને સમુદ્ર તટે માછીમારી કરવા ગયા છે તેઓ વહેલી તકે પાછા ફરે.
રેડ એલર્ટમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા અને અલપ્પુજા સામેલ છે. જ્યારે કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઇડુક્કી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ નિવાર વાવાઝોડું તમિલનાડુ-પુડુચેરીના તટે ટકરાવ્યું હતું. નિવાર સમુદ્ર તટે ટકરાવે તે પહેલાં જ ખૂબ ઝડપે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. આ દરમિયાન વાવાઝોડાની ગતિ ખૂબ વધારે હતી.