૨.૪૪ લાખ રૂપિયાના ચરસ સાથે બે શખ્સ ઝડપાયા
ત્રણ મહિના પહેલાં પણ સુરત પોલીસ દ્વારા ૪.૮૬ કિલોના ચરસ સાથે ત્રણ શખ્સોને ઝડપવામાં આવ્યા હતા
સુરત, શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મળેલી બાતમીના આધારે ૨.૪૪ લાખ રૂપિયાની કિંમતના ચરસ સાથે બે શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી મોટર-બાઈક અને રોકડ રકમ પણ જપ્ત કરી હતી. આરોપીઓની ઓળખ રાહુલ બાસુકીનાથ બાંકા (ઉંમર ૩૨) અને હુકારામ નરોત્તમ (ઉંમર ૪૭) વર્ષ તરીકે થઈ છે.
બાસુકીનાથ ભટાર રોડ પર આવેલા સ્વામી ગુણાતિન નગરનો રહેવાસી છે જ્યારે હુકારામ હિમાચલ પ્રદેશના માંડીનો વતની છે. બંને શખ્સો સામે સુરતના ખટોડરા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ એક્ટ, ૧૯૮૫ની કેટલીક કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
માહિતી મળી હતી કે, હિમાચલ પ્રદેશથી સુરત શહેરમાં માદક દ્રવ્યોની તસ્કરી કરવામાં આવી રહી છે, તેથી રવિવારે ભટાર રોડ પર મંગલમ ફ્લેટ પાસે જાપ્તો ગોઠવવામાં આવ્યો હતો અને ૪૮૮ ગ્રામ ચરસ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી’, તેમ એસઓજીના અધિકારીએ જણાવ્યું હતું.
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે, તેણે હિમાચલ પ્રદેશના ત્રણ વોન્ટેડ આરોપીઓ પાસેથી ચરસ ખરીદ્યું હતું. નરોત્તમ ચરસ આપવા માટે સુરત આવ્યો હતો જે સ્થાનિક બજારમાં વેચવાનું હતું’, તેમ અધિકારીએ ઉમેર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાંથી માદક દ્રવ્યો, ખાસ કરીને ચરસની તસ્કરી કરવા માટે એક સંગઠિત રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું.
ત્રણ મહિના પહેલા,સુરત પોલીસ દ્વારા ૪.૮૬ કિલોના ચરસ સાથે ત્રણ શખ્સોને ઝડપવામાં આવ્યા હતા. કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, માદક દ્રવ્ય હિમાચલ પ્રદેશથી ખરીદીને લાવવામાં આવ્યું હતું. ‘હાલમાં જ ઝડપાયેલા આરોપીઓએ પણ ખુલાસો કર્યો હતો કે આ રેકેટ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાંથી ચલાવવામાં આવી રહ્યું હતું’.