૨.૫૯ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ભિલોડા બસ સ્ટેન્ડમાં પારાવાર સમસ્યાઓઃ એસ.ટી પાસ કઢાવવા રઝળતા વિદ્યાર્થીઓ
(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડામાં મુસાફરો માટે અદ્યતન સુવિધા યુક્ત ૨.૫૯ કરોડના ખર્ચે તાજેતરમાં નિર્માણ પામેલ એસ.ટી ડેપોમાં લોકસભાની ચૂંટણીઓ પહેલા મત મેળવવા સાંસદ દિપસિંહ રાઠોડ,જીલ્લાના ભાજપ પ્રમુખ,ભાજપ આગેવાનો અને હિંમતનગર ડિવિઝનના એસ.ટી વિભાગના ઉપાધ્યક્ષના વરદ્ હસ્તે લોકાર્પણ સમય કરતા દોઢ મહિના અગાઉ કરી દીધું હતું અને લોકાર્પણની તક્તી ટીંગાળી દીધી હતી જે તે સમયે એસ.ટી.બસ સ્ટેન્ડ પરિસરમાં કેટલાક વિસ્તારમાં તળિયું અધૂરું છોડી દેતા પશુઓનો અડિંગો રહેતા મુસાફરોમાં તળિયું બનાવવાની માંગ પ્રબળ બની છે.અણધડ આયોજન થી નવિન ડેપો કરોડો રૂપિયા ના ખર્ચે બનાવ્યો પરંતુ સમસ્યાઓ યથાવત રહેતા લાભ તો માત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર અને વહીવટીદારોને થયો હોવાનું મુસાફરોમાં ચર્ચાઈ રહ્યું છે.અધિકારીઓને બેસવા માટે નવા બસ સ્ટેન્ડમાં નવી ખુરશીઓ અને ફર્નિચર પણ નથી ? જુનું જ ફર્નિચર યથાવત રાખ્યું છે.
૨.૫૯ કરોડના ખર્ચે નિર્માણ કરેલ ભિલોડા એસ.ટી ડેપોમાં બસ સ્ટેન્ડ પરિસરમાં નાખેલી મોંધીદાટ અમુક લાઈટો નિર્માણકાર્ય સમયથી જ બંધ હોવા થી રાત્રીના સુમારે મુસાફરોમાં ભય રહે છે ત્યારે સતત મુસાફરોથી ધમધમતા એસ.ટી ડેપોમાં બેઠક માટે બેઠક વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં ન હોવાથી મુસાફરોને ઉભા રહેવાનો વારો આવે છે. પીવાના પાણીની વારંવાર સર્જાતી સમસ્યાથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.બસ સ્ટેન્ડ વિસ્તાર અને શૌચાલયમાં દેશી દારૂની પ્લાસ્ટિકની પોટલીઓ અને વિદેશી દારૂની બોટલો ઠેર ઠેર જોવા મળી રહી છે.દિવસ-રાત બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની રહેતા એસ.ટી બસની રાહ જોતા ઉભા રહેતા મહિલા મુસાફરો અને યુવતીઓ અસલામતી અનુભવી રહી છે. સત્તાધીશોને માત્ર નામની તકતીમાં જ રસ હોય તેમ પ્રજાના પૈસા ખર્ચ્યા પછી પણ કોન્ટ્રાક્ટરની મીલીભગત થી આજે પણ આ નવિન એસ.ટી સ્ટેન્ડ સાચા અર્થમાં મુસાફરો ને અર્પણ કરાયું કે કામ લાગતું ન હોવાનું મુસાફરો અહેસાસ અનુભવી રહ્યા છે.
ભિલોડા અત્યાધુનિક બસ ડેપોમાં એસ.ટી પાસ કઢાવવા માટે આવતા રોજીંદા મુસાફરો અને વિદ્યાર્થીઓ બી.એસ.એન.એલની કથડેલી કનેક્ટિવિટી વારંવાર ખોરવાતા ધરમધક્કા ખાઈ રહ્યા છે પાસ કાઢવામાં વારંવાર વિદ્યાર્થીઓને ધરઢ ધક્કા ખાવા પડતા હોવાથી નાણાંની સાથે સાથે મહામુલ્યવાન સમય અને અભ્યાસ પણ બગડી રહ્યો છે.
ભિલોડા તાલુકા મથક ખાતે નવિન એસ.ટી.બસ ડેપો તાજેતરમાં કરોડો રૂપિયા ખર્ચીને બનાવ્યો પરંતુ સમસ્યાઓ યથાવત રહેતા મુસાફરો ભારે નારાજગી જોવા મળે છે.ઠંડા પીવાના પાણીની પરબમાં માત્ર ત્રણ જ નળ હોવાથી મુસાફરો હજજારો મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.કયારેક કયારેક તો પાણીની પરબ પાણીના અભાવે બંધ રહેતા મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા હોય તેવી બુમરાણ છે. ભિલોડા એસ.ટી.બસ ડેપોમાં હાલના તબક્કે મોંઘવારીના જમાનામાં ખુબ જ ઉંચા ભાડા હોવાથી પાંચ સ્ટોલ અને કેન્ટીન શરૂઆત થી જ બંધ રહેતા મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. ભિલોડા એસ.ટી.બસ ડેપો આગળ ગેરકાયદેસર ના લારી ગલ્લાવાળાઓએ દબાણો વર્ષોથી કર્યા હોવાથી એસ.ટી.બસોના ડ્રાઈવરો ખુબ જ તકલીફ પડતી હોય છે ત્યારે સત્ધીશો ધ્વારા ગેરકાયદેસર દબાણો સત્વરે હટાવવામાં આવે તેવી પ્રબળ લોકોની માંગણી વર્ષોથી યથાવત છે પરંતુ ગેરકાયદેસર દબાણો કેમ હટાવતા નથી એ પ્રાણ પ્રશ્ન છે.*