Western Times News

Gujarati News

૩થી૧૨ વર્ષના બાળકોમાં આંખના રોગોનું પ્રમાણ વધ્યું

અમદાવાદ, કોરોના કાળમાં સ્ક્રીન ટાઈમ વધી જતાં આંખની તકલીફોમાં વધારો થયો છે. આ સમસ્યાઓ વિશે વાત કરવા શનિવાર અને રવિવારે બે દિવસની કોન્ફરન્સ યોજાવાની છે. અમદાવાદ ઓપ્થોલ્મોલોજિકલ સોસાયટીના યજમાન પદ હેઠળ ઓલ ગુજરાત ઓપ્થોલ્મોલોજિકલ સોસાયટીની ૪૮મી વાર્ષિક અને પ્રથમ વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

શનિવાર-રવિવાર દરમિયાન યોજાનારી કોન્ફરન્સમાં મોતિયા અને આંખના પડદાના રોગોના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. કોવિડ બાદ ૩થી૧૨ વર્ષના બાળકોમાં આંખના રોગોમાં ૩૦થી૫૦ ટકાનો વધારો નોંધાયો હોવાનું ડૉ. જગદીશ રાણાએ જણાવ્યું છે.

આ અંગે ઓલ ગુજરાત ઓપ્થોલ્મોલોજિકલ સોસાયટીના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડૉ. જગદીશ રાણા, ચેરમેન ડૉ. પરિમલ દેસાઈ અને ટ્રેઝરર ડૉ. ભાવિક ઝાલાએ જણાવ્યું હતું કે, આગામી શનિવાર અને રવિવારે યોજાનારી કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ આંખના રોગો ક્ષેત્રે કાર્યરત તબીબોને આંખના રોગોની સારવાર તથા સર્જરીની પ્રક્રિયામાં નવીનત્તમ ટેક્નોલોજી અંગેની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનો છે.

અહેવાલ મુજબ, આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં રાજ્ય અને દેશના નિષ્ણાતો ઉપરાંત બ્રાઝિલના ડૉ. સર્જીયો કેનબ્રાવા, જાપાનના શીન યમને, સિંગાપોરના ડૉ. સુન-ફેઈક ચી, યુએસના ડૉ. નિકોલ ફ્રામ, ડૉ. ઔદરે રોસ્ટોવ, ડૉ. મારિયા રોમેરો, ડૉ. કેવિન મિલર, ઈજિપ્તના ડૉ. અશરફ અર્મિયા અને ડૉ. અહેમદ દ્વારા મોતિયો અને આંખના પડદાના રોગોની અત્યાધુનિક સારવાર અને સર્જરી અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવશે.

કોન્ફરન્સમાં વધુમાં વધુ તબીબો ભાગ લઈ શકે તે માટે કોન્ફરન્સનું રજિસ્ટ્રેશન નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ આંખના તબીબોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં મ્યુઝિકલ નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના દરમિયાન બાળકોમાં ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્‌સના વધુ પડતાં ઉપયોગ અને આઉટડોર એક્ટિવિટીના અભાવે ૩થી૧૨ વર્ષના બાળકોમાં આંખને લગતા રોગોમાં ૩૦થી૫૦ ટકાનો વધારો થયો છે. જેમાં બાળકોમાં આંખ સૂકી થવી અને ચશ્માના નંબર આવ્યાની તકલીફોમાં વધારો થયો હોવાનું ડૉ. જગદીશ રાણાએ જણાવ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.