Western Times News

Gujarati News

૩૦થી વધુ દેશી વેક્સિન તાજેતરમાં તૈયારી માટેના જુદા-જુદા તબક્કામાં

નવી દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે દેસી કોરોના વેક્સીન બનાવવાની તૈયારી પણ પૂરજોરમાં છે. આઈસીએમઆરના ડાયરેક્ટર પ્રો બલરામ ભાર્ગવે જણાવ્યું કે, ભારતમાં ત્રણ વેક્સીન ક્લિનિકલ ટ્રાયલ સ્ટેજમાં છે. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, મોર્ડન મેડિકલ ટ્રીટમેન્ટની પદ્ધતિનો ઉપયોગ કરતા પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરી સારવારના વિકલ્પોની યાદી તૈયારી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, આર્યુવેદિક દવાઓમાં વપરાતી ઔષધિઓ પર આધારિત દવા એસીક્યુએચની પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. પ્રો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, ‘કેડિલા અને ભારત બાયોટેકે ફેઝ-૧ની ટ્રાયલ પૂરી કરી લીધી છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટે ફેઝ ૨-બી૩ ટ્રાયલ પુરી કરી લીધી છે, અને મંજૂરી બાદ ફેજ-૨ ટેસ્ટ (૧૪ સ્થળો પર ૧૫૦૦ દર્દીઓ પર) શરૂ કરશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, કોવિડ-૧૯ના દર્દીઓ માટે ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી દવાઓની ૧૩ ક્લિનિકલ ટ્રાયલ અને મોર્ડન મેડિકલ ટ્રિટમેન્ટની પદ્ધતિની સાથે પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરી સારવારના વિકલ્પોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. હર્ષવર્ધને જણાવ્યું કે, ભારતમાં મુખ્ય રીતે કોવિડ-૧૯ની વેક્સીન તૈયાર કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ૩૦થી વધુ વેક્સીનને સમર્થન અપાયું છે, જે વિકાસના જુદા-જુદા સ્તર પર છે.

તેમણે કહ્યું કે ઈમ્યુનોમોડ્યુલેટર સેપ્સિવાકના બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલને સફળતાપૂર્વક પાર કરી લેવાઈ છે. તે ઉપરાંત પહેલી હર્બલ (ફાઈટોફાર્માસ્યુટિકલ) દવા એસીક્યુએચના બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.

હર્ષવર્ધને કહ્યું કે, અશ્વગંધાનું પરીક્ષણ, ગિલોય અને પિપળી, મુલેઠી અને પોલીહર્બલ આયુષ ઔષધિ (આયુષ-૬૪)ના ત્રણ પરીક્ષણ કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ પર કરવાની યોજના છે. તેમણે કહ્યું કે, આ બીમારીની સામે લડાઈમાં પ્રભાવી વેક્સીન ચોક્કસ બનાવી લેવાશે.

આ પહેલા રાજ્યસભામાં કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે, આઈસીએમઆર અને કેડિલા હેલ્થકેર લિમિટેડની સાથે મળીને ભારત બાયોટેક દ્વારા કરાયેલા પહેલા તબક્કાના ટેસ્ટિંગમાં ખુલાસો થયો છે કે સ્વદેશી આધાર પર વિકસિત કરાયેલી તેની બે કેન્ડિડેટ વેક્સીન ઉચ્ચ સુરક્ષાવાળી છે. ચૌબેએ એમ પણ જણાવ્યું કે, રશિયા દ્વારા વિકસિત રિકોમબિનાન્ટ વેક્સીનના સહકાર સંબંધમાં વાતચીત ચાલી રહી છે. જોકે, આ અંગે કોઈ ઔપચારિક સ્ટડીની શરૂઆત કરવામાં આવી નથી. તેમણે જણાવ્યું કે, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને આઈસીએમઆરએ બે વૈશ્વિક વેક્સીન કેન્ડિડેટ્‌સના ક્લિનિકલ વિકાસ માટે ભાગીદારી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.