૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વોટ્સએપ ગ્રુપ ‘કમાલ’: પાસિંગની ટકાવારી 25 થી 83 ટકા
સરદાર પટેલ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા લેવાનું જ બંધ કર્યું-૧૫૧ વિદ્યાર્થી ડિસ્ટિક્શન ૩૩ વિદ્યાર્થીઓને ફર્સ્ટ ક્લાસ આવ્યો.
અમદાવાદ: કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાઓ લેવાઈ હતી. જેમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં બેચલર ઓફ કેમેસ્ટ્રીનું સરેરાશ પરિણામ ૨૦-૨૫ ટકા રહેતું હોય છે, પરંતુ આ વર્ષે ઘણા વિદ્યાર્થીઓ ‘સ્માર્ટ’ બની ગયા અને પાસિંગની ટકાવારી ૮૩ ટકાએ પહોંચી ગઈ. પાછળથી તપાસમાં ખુલાસો થયો કે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને કેટલીક કોલેજના શિક્ષકોનું એક વોટ્સએપ ગ્રુપ આ ‘કમાલ’ કરી રહ્યું હતું.
એસપીયુના ઓફિશિયલે ટીઓઆઈને જણાવ્યું કે, આ ગ્રુપ પરીક્ષાના બે કલાક પહેલા જ બનાવાયું હતું. અમે જ્યારે ગ્રુપના એડમિનને પકડ્યો તો તેણે સ્ટડી મટિરિયલ સર્ક્યુલેટ કરવા ગ્રુપ બનાવ્યું હોવાનું સ્વીકાર્યું. હકીકતમાં તેનો ઉપયોગ શિક્ષકો દ્વારા પોસ્ટ કરાયેલા જવાબો શેર કરવા થતો હતો. ઘણી કોલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા કોવિડકાળમાં ઓનલાઈન પરીક્ષાઓ લેવાઈ રહી છે. એવામાં પેપર-પેનના મોડલથી અલગ ઓનલાઈન પરીક્ષામાં ચીટિંગ કરનારા પરીક્ષાર્થીઓ પર નજર રાખવી એક પડકાર બની ગયો છે.
ઓનલાઈન પરીક્ષામાં થઈ રહેલી ગેરરીતિઓ પર યુનિવર્સિટીએ હજુ કોઈ પગલા લીધા નથી. એસપીઓના વાઈસ-ચાન્સેલર શિરિષ કુલકર્ણીએ કહ્યું, અમે નક્કી કર્યું છે કે હવેથી કોઈ ઓનલાઈન પરીક્ષા લેવી નહી. એસપીયુ જ એક માત્ર યુનિવર્સિટી નથી જેમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરાઈ રહી હોય. આ પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં એલએલબીની પરીક્ષાના પરિણામમાં ૧૫૧ વિદ્યાર્થી ડિસ્ટિક્શન સાથે પાસ થયા હતા અને ૩૩ વિદ્યાર્થીઓને ફર્સ્ટ ક્લાસ આવ્યો.
છેલ્લા પાંચ વર્ષોમાં પહેલીવાર આ પ્રકારનું પરિણામ આવ્યું. આ પહેલાની પરીક્ષાઓમાં એક વિદ્યાર્થી પણ ડિસ્ટિક્શન નહોતો લાવી શક્યો. લૉ ફેકલ્ટીના ડીન રુષિકેશ મહેતાએ કહ્યું કે, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આગામી વર્ષથી ઓનલાઈન પરીક્ષા પર પ્રતિબંધ મૂકવા કહ્યું છે.