૩૦ કરોડના ખર્ચે બનેલી આવી છે, નવી એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલ
અમદાવાદ સ્થિત એલ.ડી એન્જિનિયરિંગ કોલેજના નવા હોસ્ટેલ બ્લોકનું લોકાર્પણ કરતા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
KAIZEN – 2022 શ્રેષ્ઠ અંતિમ વર્ષના પ્રોજેક્ટ માટે ઇનામ વિતરણ સમારંભ
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઘડતર તથા કારકિર્દી માટે નવી પોલિસીઓ અમલમાં મૂકાય છે ત્યારે વિદ્યાર્થીઓ તેનો પરિણામલક્ષી ઉપયોગ કરે અને અવનવા પ્રોજેક્ટની નિર્માણ કરે જેથી દેશની ગતિશીલતામાં વધારો થશે.
અમદાવાદ સ્થિત એલ.ડી.એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ટેકનિકલ પ્રોજેક્ટના નિર્માણ કરવામાં આવ્યા છે તે વિદેશોમાં પહોંચ્યા છે તે આપણા સૌ માટે ગર્વની વાત છે એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા રૂપિયા ૩૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલી અને ૫૦૮ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી આ હોસ્ટેલ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી નીવડશે.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતાં તેમણે જણાવ્યું હતું કે હોસ્ટેલમાં રહેવાથી વિદ્યાર્થીઓ સમૂહજીવનના પાઠ શીખી શકે છે અને સામાજિક જીવનની ક્ષમતામાં વધારો થાય છે. પારિતોષિક પામેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ આ જ રીતે અવનવા પ્રોજેક્ટોનું નિર્માણ કરતાં રહે અને દેશ વિદેશમાં તકનિકી ક્ષેત્રે ભારતનું નામ રોશન કરતા રહે તે સમયની માંગ છે.
આ કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ.જે હૈદર, જીટીયુના વાઇસ ચાન્સેલર શ્રી નવીન શેઠ, ટેકનિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રી જી. ટી પંડયા, SAC ઈસરોના ડિરેક્ટર શ્રી નિલેશ દેસાઈ અને મેઘમણી કેમિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશિષ સોપારકર ઉપસ્થિત રહ્યા હતા.