૩૦ કલાકની કસ્ટડી બાદ પ્રિયંકાની ધરપકડ કરાઈ

લખીમપુર, ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ રાજકીય ગરમાવો હજી અટકી રહ્યો નથી. પીડિતોને મળવા આવેલી પ્રિયંકા ગાંધીને પોલીસે કસ્ટડીમાં લીધી હતી. જાે કે, હવે તેમની સામે કલમ ૧૪૪નો ભંગ અને શાંતિ ભંગની આશંકા સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તેમની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હવે તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવામાં આવી રહ્યા છે. અહીં કોંગ્રેસના નેતાઓએ પ્રિયંકાની ધરપકડ સામે ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન શરુ કર્યું છે.
પ્રિયંકાની ધરપકડ અંગે માહિતી મળતા જ સેંકડો કોંગ્રેસીઓ સીતાપુરમાં પીએસી ગેટ પર પહોંચ્યા જ્યાં પ્રિયંકાને અટકાયત બાદ રાખવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા ત્યારે અહીં પોલીસ-વહીવટીતંત્રે મામલાને જાેતા સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
કોંગ્રેસના ધારાસભ્ય આરાધના મિશ્રા પણ ધરપકડ કરાવા ત્યાં પહોંચી હતી. તેમને રોકવા માટે ભારે મહિલા ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. દરમિયાન લખીમપુર તરફ જતા કોંગ્રેસીઓને સીતાપુર અથવા અન્ય જિલ્લાઓમાં જ રોકવામાં આવ્યા છે અને ઘણા નેતાઓને નજરકેદ પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે જે નેતાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તેમાં પ્રિયંકા ગાંધી, અજય કુમાર લલ્લુ અને દીપેન્દ્ર હુડ્ડા છે. આ સિવાય કલમ ૧૫૧ હેઠળ અન્ય ૮ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓના નામ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.SSS