Western Times News

Gujarati News

૩૦ વર્ષ પહેલા આ રીતે લોકો રેખાની પાછળ પડ્યા હતા

મુંબઇ: રિયા ચક્રવર્તી આજકાલ ચારેબાજુ આ નામની ચર્ચા છે. છેલ્લા ત્રણ મહિનામાં જે લોકો એક્ટ્રેસ રિયા ચક્રવર્તીથી અજાણ હતા તેમના મોંઢે પણ આજે આ નામની ચર્ચા થઈ રહી છે. કારણ સુશાંત સિંહ રાજપૂતનું મોત છે. બોલિવુડનો એક સફળ અભિનેતા, તેજસ્વી પ્રતિભા, ફિઝિક્સનો જિનિયસ અને વિશાળ હૃદય ધરાવતો આ સિતારો ૧૪ જૂનના રોજ એકાએક આથમી ગયો. અહીંથી જ ચર્ચામાં આવી રિયા ચક્રવર્તી. બોલિવુડમાં ગણીગાંઠી ફિલ્મો કરનારી રિયા સુશાંત સાથે લિવ-ઈનમાં રહેતી હતી.

કમનસીબ કહો કે સદ્‌નસીબ સુશાંતનું મોત થયું એના અઠવાડિયા પહેલા જ રિયા તેનું ઘર છોડીને માતા-પિતા સાથે રહેવા જતી રહી હતી. રિયા અને સુશાંત છેલ્લા એક વર્ષથી રિલેશનશીપમાં હતા. જો કે, સુશાંત જીવતો હતો ત્યારે બંનેમાંથી એકેયે પોતાનો સંબંધ ખુલીને સ્વીકાર્યો નહોતો.

પરંતુ આજના આ સોશિયલ મીડિયાના જમાનામાં ગમે તેટલા હાથપગ મારી લો તમે હકીકત છુપાવી શકતાં નથી. સુશાંત સાથે જિમની બહાર કે વેકેશન પર ગયેલી રિયાની તસવીરો ઈન્ટરનેટ પર મળી રહેશે.

ભલે બંને સંબંધો નકારતા રહ્યા પરંતુ તેની ગંધ લોકોને તો આવી જ ગઈ હતી. અને આખરે ખુલાસો પણ થયો કે રિયા સુશાંતની ગર્લફ્રેન્ડ હતી અને એ પણ રિયાએ પોતે જ કર્યો પરંતુ સુશાંતના મોત બાદ. અહીંથી જ રિયા માટે વિષચક્ર થયું. ૨ ઓક્ટોબર ૧૯૯૦, બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી રેખાના પતિ મુકેશે આત્મહત્યા કરી લીધી. રેખાના દુપટ્ટા વડે પોતાના રૂમમાં પંખા સાથે લટકી જઈને મુકેશે જીવન ટૂંકાવ્યું હતું. મુકેશને ડિપ્રેશન હતું અને આ વાતની જાણ રેખાને લગ્ન પછી થઈ હતી. રિયા અને રેખાના કેસમાં સમાનતા એ છે કે, ૩૦ વર્ષ પહેલા આ જ રીતે લોકો રેખાની પાછળ પડ્યા હતા.

આજે સુશાંત કેસમાં જે રીતે રિયાને દરેક બાબત માટે જવાબદાર ગણવામાં આવી રહી છે એવું જ રેખા સાથે થયું હતું. રિયાએ સ્વીકાર્યું તો ખરું કે તે સુશાંતની ગર્લફ્રેન્ડ છે પરંતુ ત્યાં સુધીમાં તો સોશિયલ મીડિયા પર લોકોએ તેને ગોલ્ડ ડીગર, વિષ કન્યા, હત્યારી કહી નાખી. એટલું જ નહીં તેને રેપ અને મર્ડરની ધમકીઓ મળવા લાગી. પહેલા સુશાંતનો લાભ ઉઠાવતી હોવાનું કહીને લોકોએ તેને બદનામ કરી અને પછી ડ્રગ્સ કેસમાં તેનું નામ સંડોવાતા સુશાંતને ડ્રગ્સ આપવાનો આરોપ લાગ્યો. માત્ર લોકો જ નહીં સુશાંતના પરિવારે પણ રિયા સામે તેને આત્મહત્યાને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. તેની સામે સુશાંતના રૂપિયાની હેરફેર કરવાની ફરિયાદ પણ નોંધાવી. એકવાર તો સુશાંતના પિતાએ પણ રિયાને દીકરાની હત્યારી ગણાવી દીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.