૩૧ પૈસા માટે SBIએ ખેડુતને હેરાન કરતા કોર્ટે ઝાટકણી કાઢી
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે બુધવારે એક કેસની સુનાવણીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને માત્ર ૩૧ પૈસાની બાકી રકમ માટે ખેડૂતના નો-ડ્યુ સર્ટિફિકેટને રોકવાને લઈને ફટકાર લગાવી હતી.
ખેડૂતને પાક લોનની ચુકવણી કર્યા પછી જમીનનો સોદો કરવો હતો જાેકે આના માટે તેમણે લીધેલી લોન પૂરી કરી છે તેવું સર્ટિફિકેટ બેંક પાસેથી લઈને રેવન્યુ વિભાગમાં રજૂ કરવું પડે તેમ હતું.
પરંતુ બેકના વલણથી જમીન ખરીદનાર અને ખેડૂત બંને પરેશાન હતા જે બાદ હાઈકોર્ટમાં કેસ પહોંચતા કોર્ટે દેશની સૌથી મોટી બેંકના બેન્કિંગના પાઠ ભણાવ્યા અને ઝાટકણી કાઢી હતી.
બેંકે કોર્ટને જણાવ્યું હતું કે જમીન પરથી બેંકનો હક્ક હટાવવામાં આવ્યો નથી કારણ કે ખેડૂતે લીધેલી લોનની ચુકવણી હજુ બાકી છે અને બેંકનને ખેડૂત પાસેથી હજુ પણ ૩૧ પૈસા લેવાના બાકી રહે છે. જે બાદ જસ્ટિસ ભાર્ગવ કારિયાએ કહ્યું, “આ તો હદ થાય છે.” ન્યાયાધીશે કહ્યું કે આટલી ઓછી રકમ માટે નો-ડ્યુઝ સર્ટિફિકેટ કોઈ વ્યક્તિને ન આપવું તે હાથે કરીને “પરેશાન કરવા સિવાય બીજું કંઈ નથી”.
જસ્ટિસ કારિયાએ બેંકને સામો પ્રશ્ન કરતાં કહ્યું કે ”૩૧ પૈસા બાકી છે? શું તમે જાણો છો કે ૫૦ પૈસાથી ઓછી કોઈપણ રકમને ન ગણવી તેવો એક નિયમ છે? બેંકના આ પ્રકારના ખેડૂતને કારણ વગર હેરાનગતિ કરવાના વલણથી નારાજ જસ્ટિસ કારિયાએ બેંકને આ મુદ્દે સોગંદનામું દાખલ કરવા કહ્યું અને વધુ સુનાવણી ૨ મેના રોજ રાખી છે.
આ કેસમાં રાકેશ વર્મા અને મનોજ વર્માએ શામજીભાઈ પશાભાઈ અને તેમના પરિવાર પાસેથી અમદાવાદની હદમાં આવેલા ખોરજ ગામમાં જમીનનો એક ભાગ ખરીદ્યો હતો. અગાઉ પશાભાઈના પરિવારે પાક લોન મેળવી હતી.
જાેકે લોન ભરપાઈ થાય તે પહેલા જ પશાભાઈના પરિવારે જમીન વેચી દીધી હતી. તેના કારણે પોતાની બાકી રહેતી રકમને લઈને બેંકે જમીન પર ચાર્જ લગાવ્યો અને નવા માલિકોના નામ મહેસૂલ રેકોર્ડમાં દાખલ કરી શકાયા નહીં.
જે બાદ ખરીદદારોએ પ્રમાણપત્ર મેળવવા માટે લોનની બાકી રહેતી રકમ ચૂકવવાની ઓફર કરી હતી. તેમ છતાં કોઇ કારણે મામલો આગળ વધતો ન હોવાથી, ખરીદદારોએ ૨૦૨૦ માં એચસીનો સંપર્ક કર્યો. પરંતુ તેમની અરજી પેન્ડિંગ હતી તે દરમિયાન લોનની સંપૂર્ણ ચુકવણી કરવામાં આવી હતી.
પરંતુ બેંકે હજુ પણ નો-ડ્યુઝ પ્રમાણપત્ર આપ્યું નહોતું અને તેના કારણે જમીન ખરીદદારોને ટ્રાન્સફર કરી શકાઈ નથી. જાેકે જ્યારે અરજીની સુનાવણી શરું થઈ ત્યારે બુધવારે કોર્ટે પહેલા કહ્યું કે એકવાર લોન ચૂકવવામાં આવે તે પછી કોર્ટ બેંકને પ્રમાણપત્ર આપવાનો નિર્દેશ કરશે. જે બાદ બેંકે હાઈકોર્ટને જાણ કરી હતી કે તેમની બાકી રહેતી લોનના કુલ રુપિયા પૈકી ૩૧ પૈસાની રકમ બજુ પણ બાકી છે.
બેંકના જવાબ બાદ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે SBI રાષ્ટ્રીયકૃત બેંક હોવા છતાં લોકોને આવી નાની બાબતે આ રીતે હેરાન કરે છે. “એક નિયમ છે કે ૫૦ પૈસાથી ઓછા પૈસાની ગણતરી ન કરવી જાેઈએ.” શું બેંકને આવા કોઈ નિયમની જાણ છે કે નહીં તેમ હાઈકોર્ટે પ્રશ્ન કરી બેંકની ઝાટકણી કાઢી હતી.SSS