ગાંધીનગર ખાતેથી ૩૨૪ નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ
ગાંધીનગરમાં નીતિન પટેલના હસ્તે લોકાર્પણ- બાળ મૃત્યુદર ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ૨૮ નવી નિયોનેટલ એમ્બ્યુલન્સને મંજુરી- જુની એમ્બ્યુલન્સોને બદલી દેવાશે
અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી વધુ ૩૨૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી. રાજ્યભરમાં હાલ કુલ ૫૮૯ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. રાજ્ય સરકારના માનવીય અભિગમ અંતર્ગત ૧૦૮ સેવાના વ્યાપ તેમજ એમ્બ્યુલન્સ વાહનોની ગુણવતા જળવાઇ રહે તે માટે જુની થયેલ એમ્બ્યુલન્સોને બદલવા માટે પ્રતિ વર્ષ ૧૦૦ નવી એમ્બ્યુલન્સોની બજેટમાં જોગવાઇ કરવામાં આવે છે. આ ઉપરાંત નવજાત શિશુને સારી આરોગ્ય સેવા મળે અને બાળ મૃત્યુ દર ઘટાડવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર દ્વારા ૨૮ નવી નિયોનેટલ એમ્બ્યુલન્સ મંજુર કરવામાં આવી છે.
વર્તમાનમાં રાજ્યમાં કાર્યરત કુલ ૫૮૭ એમ્બ્યુલન્સોમાં વધારાની નવી ૩૨૪ એમ્બ્યુલન્સનો ઉમેરો થતાં જુની થયેલ ૨૬૧ એમ્બ્યુલન્સો બદલવામાં આવશે તેમજ ૬૩ નવા એમ્બ્યુલન્સ ના લોકેશનનો ક્રમશઃ ઉમેરો કરતાં કુલ એમ્બ્યુલન્સોની સંખ્યા ૬૫૦ સુધી લઇ જવામાં આવશે.
રાજય સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ ૩૩૦૦ જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. દર ૨૫ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના થાય છે. છેલ્લા ૧૨ વર્ષના સમયગાળામાં ૧ કરોડ ૧ લાખ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા આપવામાં આવી છે. આ સમયગાળામાં રાજ્યભરની વિવિધ એમ્બ્યુલન્સ દ્વારા ૩૦ કરોડથી વધારે કિલોમીટરનું ભ્રમણ કરવામાં આવ્યું છે.
૧૦૮ દ્વારા રોજના સરેરાશ ૯,૭૦૦ કરતાં વધારે કાલને પ્રતિસાદ આપવામાં આવે છે. આ સિવાય ૮.૫ લાખથી વધુ વિકટ પરિસ્થિતિમાં મુકાયેલ મહામુલી માનવ જિંદગીઓનો બચાવવામાં આવી છે એટલે કે, પ્રતિ કલાકે ૧૩ મહામુલી માનવ જીંદગી બચાવવામાં આવે છે. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો લાભ નાગરિકોને ઝડપથી પુરો પાડવા માટે ‘૧૦૮ ગુજરાત’ નામની અદ્યતન મોબાઈલ એપ્લીકેશનનું અગાઉ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કુલ ૧,૪૨,૦૦૦ નાગરિકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. અત્રે નોંધનીય છે કે, તા.૨૯ ઓગસ્ટ-૨૦૦૭ થી ૧૦૮નો પ્રારંભ થયો ત્યારે ગુજરાત દેશમાં આવી સેવા શરૂ કરનાર બીજું રાજ્ય હતું. તાજેતરમાં તા. ૨૯ ઓગસ્ટ-૨૦૧૯ના રોજ ૧૦૮ સેવાએ ગુજરાતમાં સફળતાપૂર્વક ૧૨ વર્ષ પુર્ણ કર્યા છે.
માત્ર પ૩ જેટલી એમ્બ્યુલન્સથી શરૂ થયેલી સેવા આજે પ૮૯ એમ્બ્યુલન્સ (૨ બોટ એમ્બ્યુલન્સ સાથે) સુધી પહોંચી છે. એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.