૩૪૦ ટ્રેઈની તબીબ દ્વારા ઓછા વેતનના મામલે કાર્યનો બહિષ્કાર

હલ્દાની: ઉત્તરાખંડ ખાતેની ૩ મેડિકલ કોલેજીસના ૩૪૦ ટ્રેઈની ડૉક્ટર્સ હાલ કાર્ય બહિષ્કાર પર છે. ડૉક્ટર્સના કહેવા પ્રમાણે સતત તેમની અવગણના થઈ રહી છે અને તેમને દૈનિક મજૂરો એટલે કે દાડિયાઓ કરતા પણ ઓછું વેતન આપવામાં આવી રહ્યું છે. કોવિડ જેવી મહામારી દરમિયાન તેમણે પોતાના ઘર-પરિવારને છોડીને દર્દીઓની સંભાળ રાખી પરંતુ તેમને હક્ક અને સન્માન નથી મળી રહ્યા.
ડૉક્ટર્સના કહેવા પ્રમાણે તેમને વેતનરૂપે ૭,૫૦૦ રૂપિયા આપવામાં આવી રહ્યા છે જે દાડિયાઓની મજૂરી કરતા પણ ઓછા છે. તેમણે ૨૩,૫૦૦ રૂપિયાના વેતનની માગ કરી હતી જે ભારત સરકાર પોતાની મેડિકલ કોલેજીસના ટ્રેઈની ડૉક્ટર્સને આપે છે. ઉત્તરાખંડ સરકાર તમામ ટ્રેઈની ડૉક્ટર્સની અવગણના કરી રહી છે, ના તેમને વેતન આપવામાં આવી રહ્યું છે, ના તેમની માગણીઓ ધ્યાનમાં લેવામાં આવે છે.
ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે મેડિકલ કોલેજ દ્વારા તેમને ૬૦,૦૦૦ રૂપિયા પ્રતિ માસ કોરોના ભથ્થું આપવા કહેવામાં આવ્યું હતું પરંતુ તે પણ નથી આપવામાં આવતું. વધુમાં જણાવ્યું કે, તેમણે મેડિકલ કોલેજ પ્રશાસનને એક સપ્તાહનો સમય આપ્યો છે અને ત્યાર બાદ કાર્ય બહિષ્કારની સાથે સાથે ભૂખ હડતાળ પર ઉતરવાનો ર્નિણય પણ લેવામાં આવશે.
ડૉક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે, તેમને દૈનિક ૨૫૦ રૂપિયાના હિસાબથી વેતન આપવામાં આવે છે જે ખૂબ જ ઓછું છે. હાલ એક દૈનિક મજૂર પણ રોજની ૪૦૦-૫૦૦ રૂપિયાની દાડી મેળવે છે, ટ્રેઈની ડૉક્ટર્સ ૨૫૦ રૂપિયામાં સતત ૧૨ કલાક કામ કરે છે. ટ્રેઈની ડૉક્ટર્સે મુખ્યમંત્રી, હેલ્થ ડિપાર્ટમેન્ટ, હેલ્થ સેક્રેટરી સહિત તમામને પત્ર લખીને પોતાની માગણીઓ અંગે કાર્યવાહી કરવા માગ કરી છે.