૩૭ વ્યક્તિઓના ફલેશ કાર્ડની ઓળખ બદલ ઈન્ડિયા સ્ટાર આઈકોન કિડસ એચિવર એવોર્ડ ૨૦૨૨ થી સન્માનિત
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ઝાડેશ્વરનો માત્ર એક વર્ષ અને સાત માસ ના બાળક નક્ષ દેસાઈએ ૧ મિનિટ માં ૧૭ શાકભાજી ઓળખી બતાવી સૌથી નાની વયે ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ પ્રસ્તાપિત કર્યો હતો.હવે તેમાં વધુ એક સિદ્ધિ ઉમેરતા તેને ફેમસ વ્યક્તિઓના ૩૭ ફ્લેશ કાર્ડથી ઓળખ કરતા તેને ઈન્ડિયા સ્ટાર આઈકોન કિડસ એચિવર એવોર્ડ ૨૦૨૨ થી સન્માનિત કરવામાં આવ્યો છે.
નક્ષ દેસાઈ માત્ર ત્રણ મહિનાનો હતો ત્યારે જ તેની માતા રિયા ને ખ્યાલ આવી ગયો હતો કે તેની યાદ શક્તિ બહુ તેજ છે.રમત રમતમાં નક્ષ ને માતા રિયાએ વિવિધ શાકભાજી ઓળખાવી તે બાદ તેના નામ સાથે પૂછતાં તે દરેક શાકભાજી બતાવતો હતો.
જેથી માતા રિયાએ તે બાદ નક્ષ ની આ આવડત ને વધુ વિકસાવવા માટે તે શાકભાજી સાથે ફળોની ઓળખ પણ કરાવવા લાગી.જેનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ નક્ષ ઉંમર વધવા સાથે આપી રહ્યો હતો.
એક મિનિટ મા ૧૭ જેટલી વિવિધ શાકભાજી ઓળખી આપતાં તેનું નામ રેકોર્ડ બુક માં અંકિત થતા મેડલ અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.ઉંમર વધવા સાથે નક્ષ વધુ સિદ્ધિ મેળવી રહ્યો હોય તેમ વિશ્વની ફેમસ વ્યક્તિઓની ઓળખ માતાએ કરાવવાની કવાયત હાથધરી હતી.
જેમાં પણ તેનો સુંદર પ્રતિસાદ મળતા નરેન્દ્ર મોદી,સ્વામી વિવેકાનંદ,અમિત શાહ,બાબા રામદેવ વિગેરે વિખ્યાત વ્યક્તિઓને ફ્લેશ કાર્ડના માધ્યમથી ઓળખી બતાવી તેમની જાણીતી એક્શન પણ કરે છે.
આટલી નાની ઉંમરે ૩૭ ફેમસ વ્યક્તિઓના ફ્લેશ કાર્ડ ઓળખી બતાવવા બદલ નક્ષને ઈન્ડિયા સ્ટાર કિડસ આઈકોન એચીવર એવોર્ડ ૨૦૨૨ થી સન્માનિત કરી ટ્રોફી,સર્ટિફિકેટ, મેડલ તેમજ મોમેન્ટો એનાયત કરવામાં આવ્યો છે. પુત્રના આ પરાક્રમરૂપી સિદ્ધિ વિશે બોલતા માતા રિયા તેની પ્રતિભા માટે તેના પર ખૂબ ગર્વ હોવાનું જણાવે છે.તેઓ આશા રાખે છે કે નક્ષની પ્રતિભા હજુ વધુ નિખરશે.