૩૭ હજાર ઓપરેશન ફ્રીમાં કર્યા, ફી ફક્ત બાળકોનું સ્મિત
નવી દિલ્હી, આજના યુગમાં જીવનની પ્રાથમિક જરૂરિયાતોમાં આરોગ્ય સુવિધાઓ મોખરે આવી ગઈ છે. જાે કે, દુઃખની વાત એ છે કે મેડિકલ આપણી જરૂરિયાત તો છે, પરંતુ તેનું જરૂર કરતાં મોંઘું હોવું એ મુશ્કેલી બની ગઈ છે. એવામાં વારાણસીના ડોક્ટર સુબોધ કુમાર સિંહે એક અનોખા સંકલ્પ હેઠળ હજારો બાળકોની પ્લાસ્ટિક સર્જરી વિના મૂલ્યે કરી છે અને તેમના ચહેરા પર ફરી સ્મિત રેલાવ્યું છે.
ડોક્ટર સુબોધ કુમાર સિંહ બાળકોના હોઠ અને મોંની અંદરની વિકૃતિઓને પ્લાસ્ટિક સર્જરી દ્વારા બરાબર કરે છે. તબીબી ભાષામાં આ સ્થિતિને ક્લેફ્ટ લિપ્સ અને ક્લેફ્ટ પેલેટ કહેવામાં આવે છે. તેની સર્જરી માટે ઘણો એવો ખર્ચ થાય છે. આ જ કારણ છે કે ગરીબ લોકો તેની સારવાર કરાવી શકતા નથી, જ્યારે આ સમસ્યા તેમના બાળકોમાં વધુ જાેવા મળે છે.
હોઠ અને મોંની અંદરના તાળવામાં આ સમસ્યાને કારણે બાળકોને બાળપણમાં દૂધ પીવામાં મુશ્કેલી થાય છે. તો મોટા થયા પછી અલગ દેખાવને કારણે તેમને સમાજમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. આ જન્મજાત સમસ્યાને નાની પ્લાસ્ટિક સર્જરી સુધારી નાખે છે. ડોક્ટર સુબોધ ગરીબ પરિવારમાં જન્મેલા આવા બાળકોની સર્જરી કોઈપણ ફી લીધા વગર કરે છે.
ઉત્તર પ્રદેશના વારાણસીમાં રહેતા ડોક્ટર સુબોધે જનરલ સર્જરીમાં સ્પેશ્યલાઈઝેશન કર્યું છે અને તેઓ ખાસ કરીને કેમ્પ લગાવીને ફાટેલા હોઠની સર્જરી કરે છે. આજે બાળકો માટે ફરિશ્તા બની ગયેલા ડોક્ટર સુબોધનું પોતાનું બાળપણ મુશ્કેલીઓમાં પસાર થયું. તેમના માતા-પિતાના મૃત્યુ બાદ તેમણે પોતાના ભાઈઓ સાથે પૈસા કમાવવા માટે મીણબત્તીઓ, સાબુ અને ચશ્મા વેચ્યા.
જાે કે, તેમના પરિવારની મદદ અને તેમના જુસ્સાથી તેમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થયું અને તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ડોક્ટર સુબોધ કહે છે કે આ પ્રકારની વિકૃતિ સાથે જન્મેલા બાળકો ઘણી વખત કુપોષણથી મૃત્યુ પામે છે, કારણ કે તેઓ પૂરતું દૂધ પી શકતા નથી. આવી સ્થિતિમાં વર્ષ ૨૦૦૪થી જ તેમણે પોતાની તબીબી કારકિર્દી આવા બાળકોને સમર્પિત કરી દીધી.SSS