Western Times News

Gujarati News

૩૮ લાખનો રોબોટ ગટરની સફાઈ માટે મળ્યોઃ છતાં હજુ સફાઈ કર્મીઓને ગટરમાં ઉતારાય છે

પ્રતિકાત્મક

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ભેટ મળેલા રોબોટથી ગટર સફાઈ થતી નથી -સાબરમતી ગેસ કંપનીએ આશરે ૩૮ લાખનો રોબોટ તંત્રને આપ્યો હતો

અમદાવાદ, ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનને એક ગેસ કંપની દ્વારા ગટર સફાઈ માટે અત્યાધુનિક રોબોટ ભેટ અપાયો હતો, જાેકે આ રોબોટથી થયેલી ગટર સફાઈની કામગીરીને લગતો હોઈ રેકોર્ડ તંત્ર પાસે નથી. બીજા અર્થમાં રોબોટ ફકત દેખાવ પૂરતો રહ્યો હોવાની ચર્ચા ઉઠી છે.

થોડા સમય પહેલાં મીડિયામાં ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ગટરમાં ઉતરીને સફાઈ કામદારો તેની સફાઈ કરતા હોવાના સતસવીર અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. ગયા વર્ષે રાજયના તત્કાલીન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગાંધીનગર કોર્પોરેશનના પદાધિકારીઓની હાજરીમાં ગટર સફાઈ માટેના રોબોટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. સાબરમતી ગેસ કંપનીએ આશરે ૩૮ લાખ રૂપિયાનો આ રોબોટ તંત્રને ભેટ આપ્યો હતો.

તે વખતે રોબોટ ગટરના મશીન હોલમાં આઠ મીટર ઉંડે જઈ સફાઈ કરી શકે છે, ઉપરાંત તેની અત્યાધુનિક ટેકનોલોજીથી મશીન હોલમાં જાે ઝેરી ગેસ હોય તો તેની જાણકારી મળે છે જેવી વિશેષતાઓ જણાવાઈ હતી. રોબોટ હોવા છતાં પાટનગર ગાંધીનગરના વિવિધ સેકટરની ગટરની સફાઈ કામદારોને ગટરમાં ઉતારીને કરાતી હોવાનો આક્ષેપ આરટીઆઈ એક્ટિવિસ્ટ યશ મકવાણાએ કર્યો છે.

યશ મકવાણાએ ગટર સફાઈ માટેના રોબોટની કિંમત, તે વસાવ્યા પછીના મેન્ટેનન્સનો ખર્ચ, રોબોટનો ઉપયોગ અને તેના કારણે ઘટાડેલા સફાઈ કામદારો તથા સ્થિતિમાં થયેલો સુધારો વગેરે સાત બાબતોની માહિતી માગી હતી. રોબોટ વસાવ્યા બાદ પણ સફાઈ કામદારોને ગટરમાં ઉતારીને સફાઈ કામગીરી કરાવી હોય તેવા કોઈ બનાવ અંગેની રેકોર્ડ આધારિત માહિતી પણ તેમણે તંત્ર પાસે માગી હતી.

https://westerntimesnews.in/news/85007

ગત તા.૮.૧૦.ર૦ર૧થી ગાંધીનગર કોર્પોરેશનના જાહેર માહિતી અધિકારી અને વહીવટી અધિકારીએ આ સાત બાબતોનો જવાબ અત્રેની કચેરીના રેકોર્ડ પર ઉપલબ્ધ નથી તેમ આપ્યો છે.

દરમિયાન નવેમ્બર- ર૦ર૦માં જાે રોબોટ અપાયો હોય અને તેના અર્પણનો સમારોહ થયો હોય તો મ્યુનિ. કોર્પોરેશન માહિતી ઉપલબ્ધ નથી તેવો જવાબ આપે તેનો મતલબ શું છે.

શું રોબોટ આપ્યો જ નથી ? ખાલી ઉદ્‌ઘાટનનો દેખાડો જ કરાયો હતો? જાે આપ્યો હોય તો કોને આપ્યો ? સાબરમતી ગેસ કંપનીએ દાનમાં આપેલો રોબોટ પરત લઈ લીધો છે? કે તંત્ર માહિતી છુપાવે છે તેવા અનેક પ્રશ્નો આરટીઆઈના જવાબથી ઉદભવ્યા છે તેમ મકવાણા વધુમાં કહે છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.