૩ ગામની પાણી સમિતિને 1.50 લાખની રકમના ચેક અપાયા
WASMO દ્વારા મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન અનુદાનની રકમના ચેકનું વિતરણ કરાયું
(પ્રતિનિધિ)ભરૂચ, જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ(વાસ્મો) ભરૂચ દ્વારા મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે રૂ.૫૦,૦૦૦ ની પ્રોત્સાહન અનુદાનની રકમના ચેકનું વિતરણ કરાયું હતું.
ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાની બોડકા, ઝઘડીયા તાલુકાની કટોલ ગામની ૧૦૦ ટકા મહિલા પાણી સમિતિ અંતર્ગત ચેક આપવામા આવ્યા તેમજ ભરૂચ તાલુકાના મનુબર ગામને શ્રેષ્ઠ પાણી સમિતિ તરીકે પુરસ્કારની રકમ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના વરદહસ્તે એનાયત કરવામાં આવી.
પ્રત્યેક ગામને રૂ.૫૦,૦૦૦ પ્રમાણે કુલ ૩ ગામની પાણી સમિતિને રૂ. ૧,૫૦,૦૦૦ ની રકમના ચેકનું વિતરણ કરાયું હતું. જીલ્લા કલેકટર તુષાર સુમેરાએ પાણીનું જીવનમાં મહત્વ સમજાવતા કહ્યું હતું કે, આગામી સમયમાં આવી પડનારી આપત્તિઓ સામે અત્યારથી જ જાગૃત્તિ લાવવા અને પ્રત્યેક પાણીના બુંદને બચાવીએ, બગાડ ન કરીએ અને તેનું મુલ્ય સમજવા અનુરોધ કર્યો હતો.
આ વેળાએ વાસ્મોના જીલ્લા કો.ઓડિનેટર કમલેશ આર.સિંધાએ મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજનાની સમજ આપી હતી.સદર કાર્યક્રમમાં વાસ્મોના યુનિટ મેનેજર દર્શનાબેન ડી. પટેલ તથા વાસ્મો કોર ટીમ તેમજ મહિલા પાણી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.