૩ દિવસમાં એસઓપી તૈયાર કરવા શિક્ષણ ખાતાની સુચના

file
ગાંધીનગર: ગુજરાતમાં શાળાઓ ખુલવા મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં આજે યોજાયેલી શિક્ષણ વિભાગની બેઠકમાં બેથી ત્રણ દિવસમાં એસઓપી તૈયાર કરવા માટે સૂચના અપાઈ છે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને સ્કૂલોમાં લાવવા માટે એસઓપી તૈયાર કરવા શિક્ષણ વિભાગને સૂચના અપાઈ છે. એસઓપી બાદ સીએમ સાથે મળીને અંતિમ ર્નિણય લેવાશે.
અત્રે નોંધનીય છે કે, આજે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી, જે હાલ પુરી થઈ ગઈ છે. સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, દિવાળી બાદ વિદ્યાર્થીઓને મર્યાદિત સંખ્યા સાથે છૂટછાટ અપાશે. કોલેજો શરૂ કરવા અંગે કુલપતિઓ સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી. મર્યાદિત સંખ્યા સાથે છૂટછાટ આપવા બેઠકમાં લેવાયો છે. તેમ છતાં આશંકા સેવાઈ રહી છે કે દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાની કવાયત ચાલી રહી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યમાં બીજા સત્રથી શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેના માટે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ સચિવ વિનોદ રાવ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એજે શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. જાણકારી પ્રમાણે રાજ્ય સરકારે દિવાળી પછી ધોરણ-૯થી ધોરણ-૧૨ સુધીના ક્લાસ શરૂ કરવા માટે લીલીઝંડી આપી શકે છે. જ્યારે ધોરણ-૧થી ધોરણ-૮ સુધીના વિદ્યાર્થીઓ માટે હાલ ઓનલાઇન અભ્યાસની સુવિધા ચાલુ રાખવામાં આવી શકે છે.
ગુજરાતમાં દિવાળી વેકેશન પછી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કોલેજ, ઈસ્ટિટયુટ અને સ્કૂલો શરૂ થઈ શકે તેમ છે. પેટાચૂંટણી બાદ બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને શિક્ષણ સચિવ સાથે તમામ પાસાઓની ચર્ચા કરીને તૈયારી કરવા કહ્યુ હતુ.
મુખ્યમંત્રીએ મંત્રી મંડળના સભ્યોને પણ ધારાસભ્યો સહિત જનપ્રતિનિધિઓ પાસેથી ફરીથી ફિજિકલ એજ્યુકેશન શરૂ કરવા માટે પ્રતિભાવો માંગ્યા હોવાનું જણાવતા ટોચના અધિકારીએ કહ્યુ કે, હાલમાં દિલ્હીમાં કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો શરૂ થયો છે. ગુજરાતમાં આવી સ્થિતિ નહિ સર્જાય તો બે સપ્તાહમાં જ સ્કૂલો- કોલેજો શરૂ કરવાનો ર્નિણય લેવાશે. જેમાં સૌ પ્રથમ કોલેજો, મહાવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ધોરણ ૧૨થી ૯ અને ત્યારબાદ ઉતરતા ક્રમે સ્કૂલો શરૂ કરવા તરફ આગળ વધવાનો કાર્યક્રમ જાહેર થશે.
ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે આંતરે દિવસે બે- ત્રણ ભાગમાં વિદ્યાર્થીઓને બોલાવવાથી લઈને નવા નિયમો હેઠળ વર્તમાન શૈક્ષણિક વર્ષનું શિક્ષણ કાર્ય આગળ વધારાશે. ગુજરાતમાં કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત નાગરીકોના દૈનિક કેસની સંખ્યા, હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ અને મૃત્યુદરમાં ઘટાડા બાદ રાજ્યનો આરોગ્ય વિભાગ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી માટે ઉપયોગમાં લેવાતી દવાઓ, ઈન્જેક્શન અને ઓક્સિજનની માત્રામાં પણ ઘટાડો થઈ રહ્યાનો દાવો કરી રહ્યો છે.
કોરોના કેર વચ્ચે વિધાનસભાની આઠે બેઠકો ઉપર પેટા ચૂંટણી પણ યોજાઈ છે. નાગરીકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મતદાન પણ કર્યુ છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને દિવાળી વેકેશન બાદ સ્કૂલ- કોલેજ શરૂ કરવા સંદર્ભે પરામર્શ થયો હતો. રાજ્યમાં ચાર મહિનાથી ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યુ છે. શહેરી- અર્ધ શહેરી વિસ્તારોને બાદ કરતા ગ્રામ્ય તેમજ સરકારી શિક્ષણ આધારિત વ્યવસ્થા ધરાવતા વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણ સફળ રહ્યુ નથી. અભ્યાસક્રમ ઘટાડવો પડયો છે. આવી તમામ પરિસ્થિતિ વિદ્યાર્થીઓના ઘડતર માટે અવરોધરૂપ હોવાથી ઉચ્ચ શિક્ષણ માટે સ્કૂલ- કોલેજ શરૂ કરવા માંગણીઓ થઈ રહી છે.