Western Times News

Gujarati News

૩ વર્ષના માસૂમે પ્રેગ્નેન્ટ માતા અને ભાઈનો જીવ બચાવ્યો

મુરાદાબાદ: માતાની મમતાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે, પરંતુ આજે અમે તમને જે વાત જણાવી રહ્યા છીએ તે જરા હટકે છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદ રેલવે સ્ટેશન પર બનેલો આ બનાવ ભાવુક કરી દે તેવો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ત્રણ વર્ષના માસૂમ બાળકને હીરો બતાવવામાં આવી રહ્યો છે. આ ત્રણ વર્ષના બાળકે અજાણ્યા શહેરમાં અજાણ્યા લોકો વચ્ચે પોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવી હતી. હકીકતમાં મુરાદાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર બનેલા ફૂટ ઓવરબ્રિજ પર એક મહિલા ગરમીને કારણે બેભાન બની ગઈ હતી.

મહિલા પાસે રહેલું તેનું નાનું બાળક ભૂખથી તડપી રહ્યું હતું. આ નજારો મહિલાની બાજુમાં બેઠેલા ત્રણ વર્ષના માસૂમે જાેયો હતો. જે બાદમાં તેને પોતાની માતા સાથે કંઈક અઘટિત બની રહ્યાનો અંદાજ આવી ગયો હતો. જે બાદમાં માસૂમ આમતેમ જાેવા લાગ્યો હતો, કોઈ મદદ કરે તેવું ન દેખાતા માસૂમ પ્લેટફોર્મ નંબર-૧ પર બનેલી જીઆરપી ચોકી તરફ ચાલવા લાગ્યો હતો. ચોકી ખાતે પહોંચીને માસૂમે જવાનોને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બોલી શક્યો ન હતો.જે બાદમાં માસૂમ ઇશારોથી પોતાની વાત કહેવા લાગ્યો હતો. મહિલા પોલીસકર્મીને લાગ્યું કે તેને ભૂખ લાગી છે અથવા તે પોતાના પરિવારથી અલગ થઈ ગયો છે.

જાેકે, બાળકે ઈશારો કરીને મહિલા પોલીસકર્મીઓને પોતાની સાથે ચાલવાની વાત કરી હતી. જે બાદમાં પોલીસકર્મીઓ ફૂટઓવર બ્રિજ પર પહોંચ્યા તો જાેયું કે માસૂમની માતા બેભાન હાલતમાં પડી છે. અને નાનું બાળક મહિલાની છાતીને વળગીને પડ્યું છે. પહેલા પોલીસકર્મીઓએ મહિલાના મોઢા પર પાણી છાંટીને તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા ભાનમાં ન આવતા કંટ્રોલરૂમમાં ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી હતી અને મહિલાને જિલ્લા હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડૉક્ટરોના કહેવા પ્રમાણે મહિલા ત્રણ મહિનાની ગર્ભવતી છે, આથી ગરમીને કારણે બેભાન થઈ ગઈ હતી. એક માસૂમ તરફથી પોતાની માતાનો જીવ બચાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો બાળકની પ્રશંસા કરી રહ્યા છે.

આ વાતની પુષ્ટિ માટે જ્યારે જિલ્લા હૉસ્પિટલમાં ફોન કરવામાં આવ્યો ત્યારે ત્યાં તૈનાત સ્ટાફ નર્સ માધુરીસિંહે કહ્યું કે, મહિલા કમજાેર હોવાથી બેભાન થઈ ગઈ હતી. બેભાન હાલતમાં જ તેને સારવાર માટે જિલ્લા હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. બેભાન હાલતમાં રહેલી મહિલા સાથે બે બાળક હતા. જેમાં ત્રણ વર્ષનું બાળક હતું તે ખૂબ જ સક્રિય હતું. મેડિકલ સ્ટાફની સાથે તે પણ પોતાની માતાની દેખરેખ રાખતો હતો. સાંજ સુધીમાં મહિલા ભાનમાં આવી ગઈ હતી.

મહિલાએ પોતાનું નામ પરવીન જણાવ્યું હતું. મહિલા હરિદ્વારના જનપદના કલિયર શરીફને રહેવાશી છે. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ મહિલાને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા ગવર્નમેન્ટ રેલવે પોલીસના દેવી દયાલે આ અંગે જણાવ્યું કે, ફરજ પર તૈનાત જવાનોના પ્રયાસોથી એક મહિલાનો જીવ બચી ગયો હતો. હૉસ્પિટલમાં ડૉક્ટરોએ મહિલા ત્રણ મહિનાની ગર્ભવતી હોવાના વાત કહી છે. અશક્ત હોવાને કારણે મહિલા બેભાન થઈ ગઈ હોવાનું ડૉક્ટરોનું કહેવું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.