૩ વર્ષે પણ GST સર્વરના ઠેકાણાં નથી, વેપારીઓ હેરાન
અમદાવાદ: જીએસટીના અમલ શરૂ થયાને ત્રણ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે તેમ છતાં હજુ ગમે ત્યારે પોર્ટલ ઠપ્પ થઈ જવાથી વેપારીઓ પરેશાન થઇ રહ્યા છે.
સરકારને કરોડો રૂપિયાનો ફાયદો થાય અને સંખ્યાબંધ કેસનો નિકાલ થાય તેના માટે લાવવામાં આવેલી વેરા સમાધાન યોજનામાં પોર્ટલ ઠપ્પ થઈ ગયું હોવાને લઈને વેપારીઓ પેમેન્ટ કરી શકતા નથી.
જે મુદ્દે સેલ્સ ટેક્સ બાર એસોસિયેશન દ્વારા જીએસટી કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત કોઈ કારણોસર જે તે વેપારીઓના જીએસટી નંબર રદ થયા હોય તેમને ચોક્કસ દંડ ભરીને જીએસટી નંબર એક્ટિવ કરવાનો સરકારનો આદેશ હોવા છતાં કર્મચારીઓની અછતને લઇને સંખ્યાબંધ વેપારીઓના નંબર રિએક્ટિવ નહીં થવાને લીધે વેપારીઓની મુશ્કેલી વધી છે
વર્ષોથી પેન્ડિંગ કેસના નિકાલ આવે અને વેપારીઓ તથા ડિપાર્ટમેન્ટને ફાયદો થાય તેના માટે અમલમાં લાવવામાં આવેલી વેરા સમાધાન યોજનાનો હજારો વેપારીઓએ લાભ લીધો હતો
અને યોજનાની જોગવાઈ અંતર્ગત વ્યાપારીઓ પેમેન્ટ કરી રહ્યા છે. પેમેન્ટના હપ્તા ચૂકવવાની છેલ્લી તારીખ જ્યારે પણ નજીક આવે ત્યારે ડિપાર્ટમેન્ટનું પોર્ટલ ઠપ્પ થઈ જવાની વેપારીઓની ફરિયાદ ચાલુ મહિને પણ યથાવત રહેવા પામી છે.
હપ્તા ભરવાના છેલ્લા દિવસો નજીક આવતા જ ત્રણ દિવસથી પોર્ટલ ઠપ્પ થઈ જવાને કારણે સમાધાન યોજનાનો લાભ લેનારા વેપારીઓ યોજના અંતર્ગત રૂપિયા જમા કરાવી શક્યા નથી. જેને પગલે તેમને દંડ ભરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
હવે ડિપાર્ટમેન્ટની ક્ષતિને કારણે વેપારીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. આ મુદ્દે સેલ્સ ટેક્સ બાર એસોસિયેશન દ્વારા જીએસટી કમિશનર સમક્ષ હપ્તા ભરવાની મુદત વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઘણા કેસમાં વેપારીઓ દ્વારા ડિપાર્ટમેન્ટમાં ભરવાની થતી સો ટકા રકમ ભરી દેવામાં આવી હોવા છતાં તેમના પેન્ડિંગ કેસમાં ઓર્ડર નહીં થવાને કારણે વ્યાપારીઓની મુશ્કેલીઓ વધી છે.
એસોસિએશન દ્વારા કમિશનર સમક્ષ એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈ કારણોસર વેપારીનો જીએસટી નંબર રદ કરી દેવામાં આવ્યો હોય તો ચોક્કસ દંડ ભરીને તેનો જીએસટી નંબર ફરીથી એક્ટીવ કરી દેવો જેને કારણે વેપારીનો વેપાર ધંધો શરૂ થઈ જાય.
આવો સરકારનો આદેશ છે તેમ છતાં ઘણા વેપારીઓના નંબર એક્ટિવ કરાતા નથી હવે આ બાબતે વેપારીઓ દ્વારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવે છે
ત્યારે અધિકારીઓ પૂરતો સ્ટાફ નહીં હોવાને કારણે જીએસટી નંબર એક્ટિવ કરવાની કામગીરી નહીં થઈ શકતી હોવાનું કારણ આપી વેપારીઓને રવાના કરી દેતા હોય છે.
ત્યારે વેપારીઓની રજૂઆત છે કે મોટી સંખ્યામાં કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા માટે જઈ રહ્યા છે ત્યારે તેની ડિપાર્ટમેન્ટ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.
વેપારીઓની એવી પણ રજૂઆત છે કે ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ રેડ પાડવાની કામગીરી કરવામાં આવે ત્યારે મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત હોય છે
પરંતુ જ્યારે વેપારીઓના હિતની કામગીરી કરવાની આવે ત્યારે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સ્ટાફની અછત હોવાનું કહી કામગીરી ટાળી રહ્યા છે.