Western Times News

Gujarati News

૩ હોસ્પિટલોએ દર્દીને દાખલ ન કરતા દર્દીએ જીવ ગુમાવ્યો

અમદાવાદ: આસરવા સિવિલ કેમ્પસની બહાર ૩૩ વર્ષનો દીપક પસાત આંખોમાં ગમગીની અને ઘેરા આઘાત સાથે વ્હિલચેરમાં પોતાની પત્નીને લઈને શૂન્યમનસ્ક થઈ ઊભો હતો. વ્હિલચેર પર બેઠેલી તેની ૩૦ વર્ષની પત્ની ઉર્મિલા હવે ક્યારેય તેના પરથી ઉઠવાની નહોતી. છેલ્લા સાડાચાર કલાકથી પોતાની પત્નીને બચાવવા માટે યમરાજ સાથે નહીં પણ આપણી આધુનિક કહેવાતી મેડિકલ સિસ્ટમ સામે લડી લડીને દીપક થાકી ગયો હતો અને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલના ધક્કા ખાતા જેના પગ નહોતા થાક્યા તેને હવે એક મિનિટ પણ ઉભું રહેવામાં જાણે મણ મણ વજન લાગતું હતું. પત્નીને ન બચાવી શક્યાના દુઃખના ભાર તળે પોતાને શું કરવું તેનું જ ભાન દીપકને રહ્યું નહોતું.

વટવામાં રહેતી ૩૦ વર્ષીય મહિલાને તેનો પતિ શહેરની ત્રણ હોસ્પિટલમાં લઈને ફર્યો છતાં બચાવી શક્યો નહીં. ગુરુવાર બપોર સુધી સ્વસ્થ દેખાતી મહિલાને જમ્યા પછી અચાનક શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતાં પતિએ ૧૦૮માં ફોન કર્યો પણ વટવામાં એકપણ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાનો જવાબ મળતાં પતિ પત્નીને રિક્ષામાં વટવાની શ્રીજી હોસ્પિટલ લઈ ગયો હતો.

ત્યાંના ડૉક્ટરોએ પત્નીને અન્ય કોઈ મોટી હોસ્પિટલમાં જઈ જવાની સલાહ આપતાં પતિ તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ પહોંચ્યો પણ ત્યાં હાજર ડૉક્ટરોને દર્દીના જીવન કરતા નિયમપાલન વધુ યોગ્ય લાગતાં તેમણે દર્દીને ૧૦૮માં લાવશો તો જ દાખલ કરવાનું રટણ કર્યું હતું. પતિ એજ રિક્ષામાં મણિનગરની સરદાર પટેલ હોસ્પિટલમાં લઇ ગયો, ત્યાં પણ સારવાર ન મળી. સાડા ચાર કલાકની રઝળપાટ પછી સિવિલ પહોંચ્યા. સિવિલના દરવાજે ત્રણ-ત્રણ એમ્બ્યુલન્સ અને ૨૦ હજાર લિટરની ઓક્સિજન ટેન્કની સામે જ મહિલા દર્દીએ વ્હીલચેર પર અંતિમશ્વાસ લીધા હતા. વિધિની વક્રતા તો જુઓ કે મૃત્યુ પછી પણ મલાજાે આપણી સિસ્ટમ સાચવી શક્યા નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.