૪૦થી ૪૫ ટકા કોરોના લઈને આવ્યો હતો, સંપૂર્ણ સ્વસ્થ થઈને જઈ રહ્યો છું ⦁ દર્દી વિકાસ ઘીવાલા
ડાયાબિટીસ પીડિત ટેક્ષટાઈલ બિઝનેસમેન સુરતની નવી સિવિલમાં ૭ દિવસની સારવારના અંતે કોરોનામુક્ત થયા
કોરોનાના બદલાયેલા સ્વરૂપ અને હાલના નવા સ્ટ્રેઈનમાં યુવાઓ અને નાના બાળકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે કોરોનાથી સ્વસ્થ થનાર યુવાઓની સંખ્યા પણ વધી રહી છે. સુરતની સિટી લાઈટના ચંદનપાર્કમાં રહેતા અને ટેક્ષટાઈલનો બિઝનેસ કરતા વિકાસભાઈ ઘીવાલા નવી સિવિલમાં ૭ દિવસની સારવારના અંતે કોરોનામુક્ત થયા છે. ડાયાબિટીસ પીડિત વિકાસભાઈએ કોમોર્બીડ સ્થિતિમાં કોરોનાને મ્હાત આપી છે.
સ્વસ્થ થયાની ખુશી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં તાવ, શારીરિક નબળાઈ અનૂભવાતા પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયો. મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ હતો. ૪ દિવસની સારવારમાં તબિયત સુધરવાને બદલે બગડતી ગઈ. મારૂ ઓક્સિજન લેવલ ધીરે ધીરે ઘટવા લાગ્યું એટલે પ્રાઈવેટ હોસ્પિટલના તબીબોએ સિવિલ હોસ્પિટલમાં વધુ સારી ઓક્સિજન વ્યવસ્થા હોવાથી સિવિલમાં તાત્કાલિક શિફ્ટ કરવા જણાવ્યું હતું.
રાત્રે ૩ વાગ્યે મને સિવિલમાં દાખલ કર્યો એ ક્ષણ હું ક્યારેય નહીં ભૂલું. શ્વાસ લેવામાં સમસ્યા થતી હોવાથી લાગ્યું કે હવે ઘરે પાછો ફરીશ કે નહિ? પણ આજે સિવીલ હોસ્પિટલની સારવારે મને જીવતદાન આપ્યું છે.તેમણે કહ્યું કે, નવી સિવિલના તબીબોએ જીવનરક્ષક ગણાતા રેમડેસિવિરની ઈન્જેક્શનની પણ વ્યવસ્થા કરી લીધી હતી. સિવિલના આ યુવા તબીબો અને નર્સિંગ સ્ટાફના હોંસલાથી મારી અડધી તબિયત સારી થઈ ગઈ હોય એવો અનુભવ થયો છે. મેં ડોક્ટરની તમામ ઈન્સ્ટ્રક્શન માની છે, અને સ્વસ્થ થયા બાદ પણ એનું પાલન કરીશ.
રેસિડન્ટ ડો. આદિત્ય ભટ્ટે જણાવ્યું કે, વિકાસભાઈ ૧૩ એપ્રિલે પ્રાઈવેટ હોસ્પિટલથી રિફર થયા ત્યારે તેમને ૧૫ લીટર નોન રિબ્રિધર માસ્ક NRBM ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. વિકાસભાઈ દાખલ થયા ત્યારે તેમનુ ડાયાબિટીસ પણ વધી ગય હતુ જે સૌથી પહેલા ઈન્શ્યુલિન દ્વારા કંટ્રોલ કરાઈ.
વિકાસભાઈ HRCT સિટીસ્કેન અન્ય ખાનગી લેબોરેટરીમાંથી કરાવીને આવ્યા હતા જેમાં તેમને ૪૦થી ૪૫ ટકા કોરોનાનું લંગ ઈન્વોલ્વમેન્ટ હતું. ત્યાર બાદ સરકારની ગાઈડલાઈન મુજબ રેમેડેસિવિરના ઈન્જેક્શનની સાથે પ્લાઝમાનો એક ડોઝ આપવામાં આવ્યો. વિકાસભાઈ વોર્ડમાં વોકિંગ પણ કરતા એટલે તેમનું ઓક્સિજન લેવલ મેઈનટેઈન રહે તેની કાળજી લેવાતા ૭ દિવસની સારવાર બાદ આજે સ્વસ્થ થતા ડિસ્ચાર્જ થઈ ઘરે પરત ફરી રહ્યા છે.
લોકો કોરોનાના પહેલા ફેઝમાં જેટલા જાગૃત્ત હતા, એટલા બીજા ફેઝને ગંભીરતાથી લઈ નથી રહ્યા એટલે સંક્રમણનું પ્રમાણ પહેલા કરતા વધારે છે. રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાને નાથવા શક્ય એટલે તમામ પગલાઓ લઈ રહ્યા એમ ડો.આદિત્ય જણાવે છે.
વિકાસભાઈના પિતરાઈ બહેન સોશિયલ એક્ટિવિસ્ટ ગીતાબેન શ્રોફે પ્રતિભાવ આપતા જણાવ્યું કે, સૌએ સિવિલ હોસ્પિટલના તબીબો પર વિશ્વાસ રાખવો જોઈએ, આજે આરોગ્યનું મંદિર કહીએ તો કોઈ અતિશયોક્તિ નહી ગણાય. મારા પિતરાઈ વિકાસભાઈને પ્રાઈવેટ હોસ્પિટલથી શિફ્ટ કરીને સિવિલમાં એડમિટ કર્યા.
અગાઉ મારી પોતાની સર્જરી પણ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. સામાજિક કામકાજ દરમ્યાન સાંજ સુધીમાં ઘણા ફોન આવે છે કે પ્રાઈવેટમાં ક્યાંક જગ્યા કરાવી આપો. મારું એ લોકોને એટલું જ કહેવું છે કે સિવિલ હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર મળે જ છે. તેમણે હું જરૂરિયાતમંદ દર્દીને સરળતાથી પ્લાઝમાં મળી રહે માટે પ્લાઝમા ડોનેટ કરવા પણ અપીલ કરી હતી.
સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા દક્ષિણ ગુજરાત કોવિડ નોડલ ઓફિસર ડો.અશ્વિન વસાવા, એસો. પ્રોફેસર ડો.પ્રિયંકા શાહ અને ડો. દિપાલી પટેલ તેમજ ડો.પાર્થવી પિલ્લઈ, ડો.અમિરા પટેલ, ડો.સપના જૈન અને એમની ટીમની સફળ સારવારથી વિકાસભાઈ ઘીવાલાએ કોરોનાને હરાવ્યો છે.