૪૦૦ કરોડ ફાળવાયા છતાંય સાબરમતી દૂષિત કેમ?
AMC અને જીપીસીબીને ગુજરાત હાઇકોર્ટે ફટકાર લગાવી
અમદાવાદ, અમદાવાદની સાબરમતી નદી પ્રદૂષિત થઇ રહી છે. કંપનીઓ દ્વારા નદીમાં બેફામ રીતે પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. સુએજ ફાર્મ વિસ્તારમાં કેટલીક કંપનીઓ નદીમાં પ્રદૂષિત પાણી છોડી રહી છે. અને પ્રદૂષિત પાણી નદીમાં છોડાતું હોવાનો એએમસીના વકીલે હાઇકોર્ટમાં સ્વીકાર પણ કર્યો છે.
સરકાર સાબરમતી નદીની જાળવણી માટે કરોડો રૂપિયા ખર્ચે છે. ગંગા નદી બાદ સાબરમતી નદીની જાળવણી માટે સૌથી વધુ રૂપિયા ફાળવાયા છે. કેન્દ્ર સરકારે ૨૦૧૪માં સાબરમતી નદીની જાળવણી માટે ૪૦૦ કરોડની ફાળવણી કરી છે. છતા પણ સ્થિતિ નથી સુધરી. તો મોટો સવાલ એ થાય છે કે સાબરમતીના જાળવણી ખર્ચના રૂપિયાનો દૂરપયોગ થયો છે અને કાં તો ૪૦૦ કરોડની ગ્રાન્ટ કેન્દ્રએ મોકલાવી ખરી પણ તંત્ર તે કામને જમીન પર ઉતારવામાં તદ્દન નિષ્ફળ રહ્યું છે.
ગુજરાત હાઇકોર્ટે એએમસી અને જીપીસીબી લાલઆંખ કરી અને સાબરમતી નદીને પ્રદૂષિત કરતા એકમો મામલે તંત્રનો ઉધડો પણ લીધો. હાઇકોર્ટે કહ્યું કે એએમસી અને જીપીસીબી પ્રદૂષિત એકમો સામે ગંભીરતા કેમ નથી લેતું?. હાઇકોર્ટે ખુલાસો કરવા એએમસી અને જીપીસીબીને નોટિસ આપી છે.
અને કહ્યું છે કે સુએજ ટ્રીટ કર્યા વગર પાણી નદીમાં છોડાય તે ચિંતાજનક બાબત છે તેના પર કોઈ રોક કેમ નથી લગાવતું તંત્ર, મહત્વનું છે કે પીરાણા એસટીપીમાંથી ગંદુ પાણી સાબરમતીમાં છોડવામાં આવતા કરવામાં આવેલી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હવે આગળની સુનાવણી ૩૧ ઓગસ્ટના રોજ થશે.
સતત કંપનીઓ દ્વારા નદી પ્રદૂષિત કરતા સવાલો ઉઠી રહ્યા છે કે સાબરમતી નદીને પ્રદૂષિત કરનારા પર કાર્યવાહી ક્યારે કરાશે?. જીપીસીબી કંપનીઓ સામે કેમ કોઇ કાર્યવાહી નથી કરતું?. જીપીસીબીના ભ્રષ્ટ અધિકારીઓને કેટલા પૈસા મળે છે?. કંપનીઓ પૈસા આપી જીપીસીબીની આંખો પર પાટા બાંધી દે છે ?.
જીપીસીબી ખાલી નામનું જ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે?. બધાને ખબર છે સાબરમતી નદી પ્રદૂષિત થઇ રહી છે પણ જીપીસીબીના અધિકારીઓને નથી દેખાતું?. બધાને ખબર છે ક્યાંથી પ્રદૂષિત પાણી છોડાય છે અને જીપીસીબીને નથી ખબર?. જીપીસીબીના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા કરે છે શું?. જીપીસીબીના અધિકારીઓને ખબર તો છે ને કે તેમનું કામ શું છે?.