૪૫ કરોડના લીલાવતી ટ્રસ્ટ લૂંટ કેસમાં ફરિયાદ દાખલ
મણિભવનના ભોંયરાની તિજાેરીમાંથી બરોડાના મહારાજાના સંગ્રહના હીરા, દાગીના, ચાંદીના વાસણો, ફેન્સી હીરા અને અન્ય વસ્તુઓ સહિત રૂ.૪૫ કરોડની માલની લૂંટ ચલાવી હતી.
લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના મૂળ ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ કોર્ટનો સહારો લેતા ફરિયાદ નોંધાઇ છે
પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની મેજિસ્ટ્રેટ કોર્ટે પાલનપુરની લીલાવતી હોસ્પિટલના એક સેફ વોલ્ટમાંથી ૨૦૧૯માં રૂ.૪૫ કરોડની કિંમતના હીરા, દાગીના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની લૂંટના મામલે પોલીસને એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યા બાદ આખરે પાલનપુર પોલીસે સમગ્ર મામલે ૧૪ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે લૂંટના મામલે પાલનપુર પોલીસ એફઆઈઆર નોંધવામાં નિષ્ફળ રહેતાં મુંબઈ અને પાલનપુરમાં આવેલી લીલાવતી હોસ્પિટલની માલિકી અને તેનું સંચાલન કરતાં લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના મૂળ ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ કોર્ટનો સહારો લેતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં અનેક મોટા બિઝનેસમેનો અને ઉધોગપતિઓના નામ છે.
પાલનપુરના સેકન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, પાયલ ગોસ્વામીએ પોલીસની આકરી ઝાટકણી કાઢી પ્રશાંત મહેતાની ફરિયાદના આધારે ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ ૧૫૬ (૩) હેઠળ એફઆઈઆર નોંધવા ૨૭ ઓક્ટોબરના રોજ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનને નિર્દેશ આપ્યો હતો.
મેજિસ્ટ્રેટે પોલીસને રિટ પિટિશન (ક્રિમિનલ) નંબર ૬૮/૨૦૦૮માં લલિતા કુમારી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટે જારી કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવા અને એફઆઈઆરના સંદર્ભમાં યોગ્ય તપાસ હાથ ધરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે અમે શરૂઆતથી જ જણાવ્યું હતું કે અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે. અમને ખુશી છે કે માનનીય અદાલતે પાલનપુર પોલીસને એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે. હવે અમને આશા છે કે પોલીસ ન્યાયી અને તટસ્થ તપાસ કરશે અને ગુનેગારો સામે પગલાં લેશે.
પાલનપુરની લીલાવતી હોસ્પિટલમાં આવેલા મણિભવનના ભોંયરાની તિજાેરીમાંથી બરોડાના મહારાજાના સંગ્રહના હીરા, દાગીના, ચાંદીના વાસણો, ફેન્સી હીરા અને અન્ય વસ્તુઓ સહિત રૂ.૪૫ કરોડની માલની લૂંટ ચલાવી હતી. તેની પ્રાચીનતાને કારણે આ તમામ વસ્તુઓ અત્યંત કિંમતી જ નહીં બલ્કે અમૂલ્ય છે.