૪૫ વર્ષીય પ્રોફેસરનું સંદિગ્ધ હાલતમાં મોત
ગોપાલગંજ: બિહારના ગોપાલગંજમાં ૪૫ વર્ષીય પ્રોફેસરનું સંદિગ્ધ હાલતમાં મોત થયું છે. પ્રોફેસરના મોતના કારણનો હજુ ખુલાસો નથી થઈ શક્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પ્રોફેસરના ઘરે પહોંચી અને લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપી છે. મૃતક પ્રોફેસરનું નામ વિજય પાસવાન છે જે ગોપાલગંજની મહેન્દ્ર મહિલા કોલેજમાં છેલ્લા ૪ વર્ષથી પ્રોફેસર તરીકે કાર્યરત હતા. વિજય પાસવાન બરૌલી પોલીસ સ્ટેશનની હદના સિકટિયા ગામના રહેવાસી હતા. તેમના પિતાનું નામ મિસ્ત્રી પાસવાન છે. વિજય પાસવાનની પસંદગી ૭ જૂન, ૨૦૧૭ના રોજ બિહારના લોક સેવા આયોગથી થઈ હતી. પસંદગી બાદથી જે તેઓ ગોપાલગંજની મહિલા કોલેજમાં પ્રોફેસર તરીકે સ્ટુડન્ટ્સને ભણાવતા હતા.
મળતી જાણકારી મુજબ, પ્રોફેસર વિજય પાસવાન નગર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા હતા. પોલીસને સૂચના મળી કે તેમનું મોત સંદિગ્ધ હાલતમાં થઈ ગયું છે. સૂચના મળતાં જ પ્રોફેસરના ઘરે જઈને પોલીસે જાેયું કે વિજયની લાશ તેમના જ રૂમમાં બેડ પર પડેલી છે. આ દૃશ્ય જાેઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપી છે. બીજી તરફ પોલીસ મોતનું કારણ હજુ સુધી જાણી શકી નથી. મૃતક વિજય પાસવાન આરજેડી પાર્ટી સાથે પણ જાેડાયેલા હતા. તેમની તસવીર વૈકુંઠપુરના આરજેડી ધારાસભ્ય પ્રેમ શંકર યાદવ અને હથુઆના આરજેડી ધારાસભ્ય રાજેક કુમારની સાથે પણ જાેવા મળી છે.
નગર પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ, મોત કયા કારણથી થયું છે તેનો ખુલાસો પોસ્ટમોર્ટમ બાદ જ થઈ શકશે. પોલીસ દરેક પાસાઓની તપાસ કરી રહી છે. હાલ, મૃતકના રૂમને સીલ કરી દેવામાં આવ્યો છે. મૃતક વિજય પાસવાન ઘરમાં એકલા જ રહેતા હતા. તેમના પરિજનોએ કેમેરાની સામે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. મહિલા કોલેજમાં ચાર વર્ષથી પ્રોફેસર તરીકે કાર્યરત વિજય પાસવાનના સંદિગ્ધ મોતથી સ્ટુડન્ટ્સને પણ ઘેરો આઘાત લાગ્યો છે. એક તરફ, પ્રોફેસરના પરિવારના સભ્યો કોઈ નિવેદન આપી નથી રહ્યા ત્યારે પોલીસ પણ કંઈ કહેવાને બદલે માત્ર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જાેઈ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ હકીકત સામે આવશે કે વિજય પાસવાનનું મોત કઈ રીતે થયું છે. જાે તેઓએ આત્મહત્યા કરી છે તો કયા કારણે આ અંતિમ પગલું ભર્યું તેનું કારણ પણ અકબંધ રહેશે.