૪૭૦ ફુટ ઉમિયા મંદિરની વ્યુઇંગ ગેલેરી ઉપરથી શહેરના નઝારાને જોવાશે
અમદાવાદ, એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલથી જાસપુર પાસે વિશ્વ ઉમિયા ધામ સંકુલ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ૪૩૧ ફુટ ઉંચાઇ ધરાવતું વિશ્વનું સૌથી ઉંચું અને ભવ્ય એવું ઉમિયા માતાજીનું ઐતિહાસિક અને અનેક અજાયબી ધરાવતુ મંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે
ત્યારે છેલ્લા બે દિવસમાં મંદિરના યોજાયેલા ભવ્ય શિલાન્યાસ સમારોહમાં મંદિરની અનેક વિશેષતાઓ અને વૈશ્વિક અજાયબી કહી શકાય તેવી બાબતો પણ સામે આવી હતી. ગઇકાલે મંદિરના શિલાન્યાસ સમારોહના બીજા દિવસે ૧૫૦ ભૂદેવ તથા ૨૫૦થી વધુ ઋષિકુમારોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શિલાન્યાસ વિધિ કરી હતી. એ પહેલાં મંદિરના ગર્ભગૃહથી ૧૦ ફુટ નીચે સોનું, ચાંદી, તાંબુ, ઝવેરાત, મોતી એમ પંચધાતુનું ૧૪ કિલોનું મિશ્રણ શુધિકરણ માટે નાખવામાં આવ્યું હતું.
મંદિરમાં જમીનથી લગભગ ૫૨ ફુટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે. જ્યારે ૨૭૦ ફૂટ ઊંચાઈએ વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવશે. આ વ્યુઇંગ ગેલેરી એટલી અદ્ભુત હશે કે, ત્યાંથી કોઇપણ દર્શનાર્થી કે પ્રવાસીઓ આખા અમદાવાદનો નજારો નિહાળી શકશે.
અન્ય નોંધનીય બાબતોની વાત કરીએ તો, મા ઉમિયા મંદિરનું ગર્ભગૃહ મુખ્ય ૯ શિલા પર તૈયાર કરવામાં આવશે. આ નવ વિશેષ શિલામાં – કૂર્મ શીલા, નંદ શિલા, ભદ્રા શિલા, જયા શીલા, પૂર્ણા શિલા, અજિતા શિલા, અપરાજિત શિલા, શુકલા શિલા, સૌભાગિની શિલાની પૂજન વિધિ કરવામાં આવી હતી. આ સાથે કુલ ૫૦૦ દંપતીએ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ૫૦૦ શિલાઓ તથા ૧૦૮ કળશનું પૂજન કર્યું હતું.
વિશ્વ ઉમિયાધામમાં એક હજાર કરોડના ખર્ચે ઉમિયા મંદિરનું નિર્માણ કરવામાં આવશે. વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસના બીજા દિવસે જર્મન આર્કિટેક્ટ પણ જાસપુર આવ્યા હતા. ઇન્ડોર જર્મન ટેક્નોલોજીથી મંદિરનું નિર્માણ કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક્ટ્સ મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરશે.
૧૦૦ વીઘામાં બનનારા ઉમિયા મંદિરના નિર્માણમાં પાંચ વર્ષનો સમય લાગી જવાની શકયતા છે. ઉમિયાધામના ભારતીય આર્કિટેક્ટ ભાવિક દંડનાયક-જર્મન આર્કિટેક્ટ ગેર્હાડ-ડેવરના જણાવ્યા પ્રમાણે, આ મંદિરની ડિઝાઇન પારંપરિક મંદિરો કરતાં જુદી છે.
મંદિરની ડિઝાઇન તૈયાર કરતા પહેલાં જર્મની અને દુબઈથી આવેલી આર્કિટેક્ટની ટીમે તિરુપતિ, અંબાજી, અક્ષરધામ અને શિરડીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ આ ડિઝાઇન તૈયાર કરાઈ છે. આ તમામ મંદિરોમાં લોકોની ભીડ થાય ત્યારે અફરાતફરી થતી હોય છે. આવી સમસ્યાને ધ્યાનમાં રાખીને મંદિરની ડિઝાઇન તૈયાર કરાઈ છે.
ઉપરાંત મંદિરના ગર્ભગૃહ પાસે ઓટોમેટિક ક્યુઇંગ સીસ્ટમ મુકાશે, જેથી મંદિરમાં ભીડ ના થાય કે કયારેય અફરાતફરી કે ભાગદોડના દ્રશ્યો ના સર્જાય. મંદિરમાં એકદમ સરળતાથી તમામ દર્શનાર્થીઓને માતાજીના દર્શન થઇ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે.