Western Times News

Gujarati News

૪ ડેપ્યુટી કલેક્ટરને ૧૦-૧૦ હજારનો દંડ ફટકારાયો

Files Photo

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. તેમણે ટકોર કરી છે કે તડીપાર કરવાના આદેશોનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ૨૦ કેસમાં રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા તડીપારના આદેશોને રદ્દ કર્યા છે.

મોટાભાગના કેસમાં બેફામ આદેશો કરતાં ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના પણ રાજ્ય સરકારને આપી છે. ઉના, વલસાડ, વેરાવળ સહિતના ચાર ડેપ્યુટી કલેક્ટરને ૧૦-૧૦ હજારનો દંડ પણ હાઈકોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા એનઆરસી અને સીએએનો દેશભરમાં વિરોધ થયો હતો. આ વિરોધ કરનારા નાગરિકોને તડીપાર કરવાનો આદેશ રદ્દ કરતાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે, અરજદાર ભીડમાં એનઆરસી-સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરતા હતા અને તેમને તડીપાર કરવાના આદેશ કરવામાં આવ્યા છે.

નાગરિકો સરકારના કોઈ ર્નિણયનો વિરોધ કરતા હોય તો તેમને આ પ્રકારની સજા સંભળાવી શકાય નહીં. હાઈકોર્ટે આ પ્રકારના ૨૦ કેસ રદ્દ કર્યા છે.

નોંધનીય છે કે આ પ્રકારના સૌથી વધારે આદેશો મહુવા, ઊના, બોટાદ, વલસાડ અને વ્યારામાંથી આવ્યા છે. આટલું જ નહીં, એક કેસમાં વેરાવળના ડેપ્યુટી કલેક્ટરે આરોપીને દીવથી તડીપાર કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમને રદ્દ કરતાં હાઈકોર્ટે પ્રશ્ન ક્યો કે, કેન્દ્ર શાસિત પ્રદેશથી તડીપાર કરવાનો આદેશ કેમ કરવામાં આવ્યો.

આના જવાબમાં અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ વિવિધ ગુના કર્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ તેમની સત્તામાં નથી, પરંતુ જાે આરોપીને દીવથી તડીપાર કરવામાં નહીં આવે તો તે ગીર-સોમનાથમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરશે. માટે તેને દીવથી તડીપાર કરવામાં આવ્યો છે. જાે કે, સત્તાની બહાર જઈને આદેશો કરી શકાય નહીં માટે તેને રદ્દ કરવામાં આવે છે.

તડીપારના આદેશનો એક કેસ રાજકોટમાં પણ નોંધાયો છે. આ આદેશને રદ્દ કરતાં હોઈકોર્ટે નોંધ્યું કે, રાજકોટમાંથી આવા કેસ ઘણાં ઓછા સામે આવે છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે અહીં આરોપીને રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી,

જૂનાગઢ, અમરેલી, પોરબંદર, બોટાદ, ભાવનગર, ગીર-સોમનાથ એમ ૧૧ જિલ્લામાંથી તડીપાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અધિકારીને દંડ ફટકારવામાં નથી આવતો, પરંતુ તેમની સામે પગલાં લેવાનું સૂચન કરવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.