૪ બાળકોની માતાને બેભાન કરીને યુવકે દુષ્કર્મ આચર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/rape-baroda.jpg)
Files Photo
ભાવનગર, ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં ચાર બાળકોની માતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ યુવકે મહિલાને બેભાન કરીને તેના પર રેપ કર્યો હતો. ભાનમાં આવ્યા બાદ મહિલાને તેની સાથે કઈ દુષ્કર્મ થયું હોવાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ચાર બાળકોની માતા ૪૦ વર્ષીય મહિલાએ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં એક પરિચિત સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મહિલા સાથે ૨૮ ઓગસ્ટના રોજ રેપ થયો હતો. રાહુલ ઉર્ફે ગાડો પરમાર નામના શખ્સે દવાઓ આપીને મહિલાને બેભાન કરી હતી અને તેના ઘરમાં જ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભાનમાં આવ્યા બાદ મહિલાએ બુધવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પાલિતાણા સ્થિત શક્તિનગરમાં રહેતો રાહુલ પરમાર મહિલાને વાયરલ ફીવર હોવાથી તેના ઘરે ખબર અંતર પૂછવા ગયો હતો અને દવા પણ આપી હતી. મહિલા બેભાન થતાં રાહુલે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સવારે મહિલા ન ઉઠતા બાળકોએ પાડોશીને આ અંગે જાણ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર મહિલાના પતિની તાજેતરમાં ભાવનગરના સોનગઢ નજીક લૂંટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને હજી તે જેલમાં છે. સમગ્ર મામલે પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જુલાઈ મહિનામાં પણ પાલિતાણામાં પરિણીતા સાથે બળાત્કારની ઘટના સામે આવી હતી. જેમાં એક શખ્સે પરિણીતાને ધમકી આપીને અનેક વાર બળાત્કાર કર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.SSS