૪.૭૪ કરોડની ચોરીનો ભેદ રેલવે એલસીબીએ ઉકેલી દીધો
રાજકોટ: સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં અમૃત કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી સોનાના દાગીના, બિસ્કીટ અને ડાયમંડ મળીને ૪.૭૪ કરોડની ચોરીનો ભેદ રેલવે એલસીબીએ ઉકેલી દીધો છે અને પશ્ચિમ બંગાળના બે આરોપી પાસેથી ૪.૬૫ કરોડનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જાેકે, કોલકત્તાની અલીપુરા કોર્ટે ટ્રાન્ઝિટ રિમાન્ડ ન આપીને આરોપીના જામીન મંજૂર કર્યાં હતા. જેથી રેલવે પોલીસ આરોપીઓને સાથે લાવી શકી નહોતી.
વેર્સ્ટન રેલવે એસપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, ૮ એપ્રિલના રોજ અમૃત કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી અભુજી ઠાકારે નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેઓ સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં આંગડિયા પેઢીનો માલ લઇને નિકળ્યા હતા. જેમાં તેઓ વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે પહોંચ્યા, ત્યારે ૪.૭૪ કરોડના સોના-ચાંદીના દાગીના ભરેલો થેલો ગુમ થયો હતો.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. જેની તપાસ વડોદરા એલસીબી પીઆઇ ઉત્સવ બારોટને સોંપવામાં આવી હતી. તેઓએ જુદી-જુદી ત્રણ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી, હ્રુમન ઇન્ટેલિજેન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. જેમાં ટેક્નિકલ સર્વેલન્સથી માહિતી મળી હતી કે, બે આરોપીઓ મુંબઇ તરફ ગયા છે. ત્યાર બાદ તેમનું મોબાઇલ લોકેશન પશ્ચિમ બંગાળનું કેનિંગ સાઉથ ૨૪ પરગણાસ હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપીઓનો ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું હતું કે, મુંબઇના ભૂલેશ્વર વિસ્તારમાં ૮૦થી ૯૦ આંગડિયા પેઢી આવેલી છે. તે વિસ્તારમાં આરોપી બિજન ઉર્ફે મોન્ટુ હલદાર છેલ્લા ૨૦ વર્ષથી ચાઇનીઝ અને ભેલપુરીની લારી ચલાવતો હતો. જેથી વેપારીઓ તેને ત્યાં ખાવા જતા હતા. જેથી તે આંગડિયા પેઢીની કાર્ય પદ્ધતિથી વાકેફ હતો અને બીજાે આરોપી અશોક સરકાર છેલ્લા ૨૦ વર્ષથી મુંબઇમાં રહે છે અને ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝમાં શોર્ટ બોય તરીકે કામ કરતો હતો. હાલ આર્થિક સંકળામણને કારણે આ કૃત્ય કર્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તુરંત જ અમારી ટીમને બંગાળમાં રવાના કરી હતી. જે વિસ્તારમાં તેઓ રહેતા હતા. ત્યાં રીક્ષા ભાડેથી લઇને ફરતા હતા. ઓળખ છુપાવવા માટે પોલીસકર્મીઓ લુંગી અને બનિયાન કરીને ફરતા હતા. બે દિવસ ખુબ મહેનત કર્યાં પછી બંને આરોપી ઝડપાઇ ગયા હતા. તેમની પાસેથી ૪.૬૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો અને બંને આરોપીઓને અમે કોલકત્તાની અલીપુરા કોર્ટે ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે રજૂ કર્યાં હતા. જાેકે ગુજરાતમાં કોરોના મહામારીનું કારણ રજૂ કરીને કોર્ટે બંને આરોપીઓને જામીન આપી દીધા હતા. આ મામલે અમે કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છીએ.