૫૦૦થી વધુ નાગરીકો પાસેથી પોંજી સ્કીમ હેઠળ ૩ કરોડ જેટલાં રૂપિયા પડાવનારા ભાઈ-બહેન ઝડપાયા

મુખ્ય સૂત્રધાર પિતા હાલમાં ફરાર
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં નાગરિકોને ઠગવા માટે કેટલાંય ગઠીયાઓ અવનવી સ્કીમો લઈ આવતાં હોય છે અને લાલચમાં આવીને કેટલાંય નાગરીકો છેતરપિંડીનો ભોગ બને છે. ત્યારે બહેરામપુરામાં આવી જ એક પોંજી સ્કીમ ચાલતી હોવાની ફરીયાદ મળતાં ક્રાઈમ બ્રાંચે તુરંત સક્રિય થઈ પોંજી સ્કીમ ચલાવનાર ભાઈ-બહેનને ઝડપી લીધા છે. ત્યારે તેમનાં પિતા-મુખ્ય સૂત્રધાર ફરાર છે. ત્રિપુટીએ સેંંકડો લોકો પાસેથી આશરે ૩ કરોડ રૂપિયા ઊઘરાવી લીધા હતા.
આ અંગેની વિગત એવી છે કે, બહેરામપુરમાં આનંદ એન્ટર પ્રાઈઝ, કુબેરનગરમાં તથા નરોડા રોડ ખાતે પણ ઓફીસ ધરાવી કેટલાંક શખ્સો પોંજી સ્કીમ ચલાવતાં હોવાની ફરીયાદ ક્રાઈમ બ્રાંચને મળી હતી. તપાસ કરવામાં આવતાં મહેશ પરમાનંદ ભદ્રા (કાઠીયાવાડી) (રહે.શ્રી હરી સ્ટેટસ, નવા નરોડા) દ્વારા ચિરાગ મિત્ર મંડળનાં નામની બે પોંજી સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જેમાં તેનાં પુત્ર ચિરાગ તથા પુત્રી મમતાએ પણ તેને સાથ આપ્યો હતો.
ઉપરાંત એજન્ટો મારફતે પણ તેમણે બે સ્કીમોમાં ૫૦૦થી વધુ નાગરીકો પાસેથી ૩ કરોડથી વધુ રકમ ઊઘરાવી હતી. બાદમાં થોડાં રાજ્યોને ઈનામ રકમ જીતાવીને બાકીનાં ૨.૯૨ કરોડ રૂપિયા ત્રણેય ચાંઉ કરી ગયા હતા. જેથી ક્રાઈમ બ્રાંચે ચિરાગ અને મમતાની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજુ કરતાં પાંચ દિવસનાં રીમાન્ડ મેળવ્યા હતા. જ્યારે પોંજી સ્કીમનો મુખ્ય સૂત્રધાર મહેશ હાલમાં ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.