૫૦૦૦થી વધુ અધ્યાપકોને ૬ મહિનાથી પગાર નથી મળ્યો
અમદાવાદ, રંગોનો તહેવાર હોળી ધુળેટી લોકોના જીવનમાં ખુશીઓનો રંગ લાવતી હોય છે પણ રાજ્યના ૫ હજારથી વધુ અધ્યાપકો માટે હોળીનો તહેવાર બે રંગ બન્યો છે. ફેબ્રુઆરી મહિનાનો પગાર પણ હજુ સુધી ન કરતા અધ્યાપકોમાં રોષ ફેલાયો છે.
છેલ્લા ૬ મહિનાથી અનિયમિત પગારથી અધ્યાપકો નારાજ થયા છે અને સરકાર સામે સોશિયલ મીડિયામાં આંદોલન શરૂ કર્યું છે.રાજ્યની ૩૫૬ ગ્રાન્ટઇન કોલેજના ૫૦૦૦થી વધુ અધ્યાપકોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. અને સોશિયલ મીડિયામાં આંદોલન શરૂ કર્યું છે. છેલ્લા ૬ મહિનાથી પગાર નિયમિત રીતે ચૂકવાતો પગાર અનિયમિત થતો હોવાના કારણે બેંકના હપ્તા તેમજ આર્થિક વ્યવહારો ખોરવાઇ રહ્યા છે.
અધ્યાપક મંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવ જણાવે છે કે, કોઇપણ સરકારી કર્મચારીનો આર્થિક વ્યવહાર તેના પગાર પર ર્નિભર હોય છે. હવે જ્યારે પગાર અનિયમિત થવા માંડે ત્યારે તેના આર્થિક વ્યવહાર ખોરવવા લાગે છે. મકાનની લોનના હપ્તા, કોઈ વાહનની લોનના હપ્તા હોય જાે પગાર રેગ્યુલર ન થાય તો તેના બેંકના હપ્તા ડામાડોળ થઈ જાય છે અને ક્રેડિટ ડાઉન થાય છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, આ અધ્યાપકોનો છેલ્લા ૫થી ૬ મહિનાથી આવું થઈ રહ્યું છે. હાલ માર્ચ મહિનો અડધો થયો છતાં ફેબ્રુઆરીનો પગાર આવ્યો નથી એટલે અધ્યાપક મંડળના ટ્વીટર હેન્ડલ લર અમે અભિયાન ચલાવ્યું છે. સરકારનું આ ધ્યાન દોરવાનો પ્રયાસ છે.
જેથી કરીને ઝડપથી અધ્યાપકોનો પગાર નિયમિત થાય. ૩૫૬ ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોની ફરિયાદ વારંવાર અધ્યાપક મંડળને મળી હતી. જેની રજુઆત આખરે રાજ્યના શિક્ષણ વિભાગને કરવામાં આવી છે. મહત્વનુ છે કે, આ પહેલીવારની વાત નથી કે અધ્યાપકોને પગાર મામલે મુશ્કેલી પડી હોય અગાઉ પણ કોઈને કોઈ પ્રકારે અધ્યાપકોના પગાર પર કાપ મુકવાની ઘટનાઓ બની ચુકી છે.
તેમજ સાતમા પગાર પંચના અમલ મામલે પણ અધ્યાપકોને વંચિત રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત પેન્શન અને પ્રમોશનના પ્રશ્નો મામલે પણ અગાઉ અધ્યાપકો લડત આપી ચુક્યા છે. ત્યારે હવે પગાર નિયમિત કરાવવા માટે મેદાને ઉતરવું પડ્યું છે.SSS